સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાના ચગડોળે ચઢેલા સૂર્યા મરાઠી હત્યાકાંડમાં આરોપીઓની પૂછપરછ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાના ચગડોળે ચઢેલા સૂર્યા મરાઠી હત્યાકાંડમાં ચોકબજાર પોલીસ આરોપીઓ રાહુલ એપાર્ટમેન્ટ અને સતીષ બાબુની પૂછપરછ કરી હતી. બંનેએે “અમે હાર્દિક સાથેની યારી-દોસ્તીમાં સૂર્યાનું મર્ડર કર્યુ છે, કારણ અમને ખબર નથી” એવું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યા છે. સૂર્યાના હત્યાના કાવતરામાં તેના સાથીઓએ પણ ભૂંડી ભૂમિકા ભજવી હોય પોલીસ દ્વારા તેઓની ધરપકડના પણ ભણકારા વાગી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે વેડરોડ ખાતે રહેતા અને ત્યાં જ ઓફિસ ધરાવતા માથાભારે સૂર્યા મરાઠીને ભરબપોરે ઓફિસમાં ઘૂસી રહેંસી નંખાયો હતો. એક સમયના દોસ્ત એવા હાર્દિક પટેલે જ ગેંગ બનાવી આડેધડ ચપ્પુના ઘા ઝીંકી સૂર્યાની ક્રૂર હત્યા કરી દીધી હતી. ખેલાયેલા આ ખૂની ખેલમાં ગંભીર ઇજાને કારણે હાર્દિક પટેલનું પણ મોત થયું હતું. ચોકબજાર પોલીસ ચકચારી બનેલા આ કેસમાં હાર્દિક સાથે સૂર્યાની ગેમ કરનારા માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને સતીષ બાબુ ઉર્ફે ધાવડેની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાાવ્યા પ્રમાણે હાર્દિક અને સતીષની હત્યાના અલગ-અલગ ગુનામાં લાજપોર જેલમાં સજા ભોગવતા હતા ત્યારે તેઓની મિત્રતા થઇ હતી. રાહુલની મિત્રતા સતીષ થકી હાર્દિક સાથે થઇ હતી. સૂર્યાનું મર્ડર તેઓએ યારી-દોસ્તીમાં કર્યુ હોવાનું રટણ કરી રહ્યા છે. હાર્દિકે એક વખત સતીષને કોલ કરી એકને પાડી દેવાની વાત કરી હતી અને બાદમાં સતીષ અને રાહુલ હાર્દિકના કહેવાથી સૂર્યાનું મર્ડર કરવા ગયા હતા. એક સમયના જિગરી દોસ્ત એકબીજાના ખૂનના પ્યાસા કેમ બન્યા તે અંગે હાલ રહસ્ય છે. રાહુલ અને સતીષે પણ સૂર્યા-હાર્દિકની દુશ્મની ચોક્કસ કયા મુદ્દે થઇ તે અંગે અજાણ હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.