સમગ્ર દુનિયા પાકિસ્તાનની મજાક ઊડાવે છે, નવાઝ શરીફે ઇમરાન ખાન સરકારની ટીકા કરી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ઇમરાન ખાન સરકારની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે દુનિયા આખી આજે પાકિસ્તાનની ઠેકડી ઊડાવી રહી હતી.

તબીબી સારવાર માટે લંડનમાં રહેલા નવાઝ શરીફ રવિવારે વિપક્ષોની સહિયારી વિડિયો પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા અને કહ્યું કે ઇમરાન ખાનની સરકાર આમ આદમીને જીવનજરૂરી ચીજો પણ આપી શકતી  નથી. પાકિસ્તાનમાં કાયદા કાનૂનની મજાક ઊડી રહી હોય એવી પરિસ્થિતિ હતી.

જો કે તેમણે ફેરી તોળતાં કહ્યું કે અમારી લડાઇ ઇમરાન ખાન સામે નથી પણ એમને આ સ્થાન પર પહોંચાડનારા સામે છે. પાકિસ્તાની લશ્કર પર તૂટી પડતાં નવાઝે કહ્યું કે લશ્કરે રાજકારણથી દૂર રહેવું જોઇએ અને માત્ર સીમાડા સાચવવા જોઇએ. રાજકારણમાં લશ્કરનું શું કામ છે. લશ્કરે બંધારણને એનું કામ શાંતિથી કરવા દેવું જોઇએ. પાકિસ્તાનમાં લશ્કર રાજકારણમાં દખલ કરે છે. હજુ પણ સમય છે. આ સરકાર અને આ સિસ્ટમ બદલાવી નાખીએ તો દેશ જરૂર આગળ વધી શકશે.

હાલ પાકિસ્તાનમાં તમામ રાજકીય પક્ષો ઇમરાન ખાનની સરકાર સામે સંગઠિત થયા હતા, રવિવારે યોજાએલી સહિયારી પત્રકાર પરિષદ એ સંગઠનનો એક હિસ્સો હતો. વિપક્ષોએ કહ્યું હતું કે અમે સંસદમાં સરકારને કોઇ નવો કાયદો ઘડવામાં કે સંસદની કાર્યવાહમાં સાથ સહકાર નહીં આપીએ.

અત્રે એ યાદ રહે કે નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના કેસ ઊભા છે અને કોર્ટે તેમને ભાગેડુ ગુનેગાર જાહેર કરીને એમના ભાઇ અને પુત્રીની ધરપકડ કરી હતી.

નવાઝ શરીફની પુત્રી મરિયમ પોલિટિક્સમાં સક્રિય છે અને અવારનવાર ઇમરાન ખાન સરકારની ટીકા કરતી હતી.  નવાઝ શરીફને કોર્ટે પોતાની સમક્ષ હાજર થવાનું સમન્સ મોકલ્યું હતું. નવાઝે જવાબમાં કહ્યું હતું કે કોરોના કાળને લીધે મારા ડૉક્ટર મને અહીંથી બહાર જવાની પરવાનગી આપતા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.