સંકટ સમયે પણ ગરીબો પાસેથી કમાઈ રહી છે મોદી સરકાર, શ્રમિક ટ્રેનના નફા મુદ્દે રાહુલનો વાર

 કોરોના કાળમાં ઈન્ડિયન રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા 428 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો ઉલ્લેખ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંકટ સમયે પણ ગરીબો પાસેથી નફો કમાવવામાં કોઈ કસર નથી છોડી રહી તેવો આરોપ લગાવ્યો છે. રાહુલના કહેવા પ્રમાણે દેશમાં બીમારીના વાદળ છવાયેલા છે તેમ છતા ઈન્ડિયન રેલવે નફો કમાવવામાં પડેલી છે. રાહુલ ગાંધીએ એક રિપોર્ટ મામલે ટ્વિટ કરી હતી જેમાં આવી ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં જે રિપોર્ટ શેર કર્યો છે તેમાં કોરોના કાળમાં ઈન્ડિયન રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા 428 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો ઉલ્લેખ છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘બીમારીના વાદળ છવાયેલા છે, લોકો મુસીબતમાં છે, ફાયદો લઈ શકે છે-સંકટને નફામાં બદલીને કમાઈ રહી છે ગરીબ વિરોધી સરકાર.’

લોકડાઉનમાં ફસાઈ ગયા હતા લાખો મજૂરો

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કારણે જ્યારે 25મી માર્ચના રોજ દેશમાં અચાનક રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લાખો મજૂરો દિલ્હી, મુંબઈ, પુણે, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં ફસાઈ ગયા હતા. આ મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે સરકારે બાદમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી હતી અને આ ટ્રેનો દ્વારા લાખો લોકો પોતાના ઘરે પાછા ફર્યા હતા.

ભાડા મામલે થયો હતો વિવાદ

આ શ્રમિક ટ્રેનોના ભાડાને લઈને પણ વિવાદ થયો હતો. જ્યારે શ્રમિક ટ્રેનો શરૂ થઈ ત્યારે રાજ્યોએ મજૂરો પાસેથી ભાડું ન લેવાની જાહેરાત કરી હતી. તેમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોનો પણ સમાવેશ થતો હતો. જો કે ગુજરાત, મુંબઈ, દિલ્હીથી પરત ફરી રહેલા મજૂરોએ કરેલી ફરિયાદ પ્રમાણે જ્યારે તેઓ ટ્રેનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પાસેથી ભાડું લેવામાં આવ્યું હતું.

આ અંગે સ્પષ્ટતા કરતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, યાત્રાનો 85 ટકા ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે અને 15 ટકા રાજ્ય સરકારોએ આપવાનો છે. કેન્દ્ર સરકારના અધિકારીઓના કહેવા પ્રમાણે આ પ્રક્રિયામાં કેટલાક રાજ્ય આડા આવી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.