સાંસદ અમરસિંહનું લાંબી માંદગી પછી સિંગાપોરની હોસ્પિટલમાં નિધન

– અમરસિંહનો પ્રવાસ કોંગ્રેસથી શરૂ, ભાજપ પર ખતમ

– યુપીએ-1માં અમરસિંહે મનમોહન સરકાર બચાવી કિંગમેકરની ભૂમિકા ભજવી

કેશ ફોર વોટ કૌભાંડમાં નામ ઊછળ્યું હતું

રાજ્યસભાના સાંસદ અને એક સમયે સમાજવાદી પક્ષના વડા મુલાયમ સિંહના ખાસ સાથી ગણાતા વરિષ્ઠ નેતા અમરસિંહનું શનિવારે બપોરે સિંગાપોરમાં લાંબી માદગી પછી નિધન થયું હતું. 64 વર્ષીય અમરસિંહે વર્ષ 2011માં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હતું. સિંગાપોરની હોસ્પિટલમાં છ મહિનાથી તેમની સારવાર ચાલતી હતી.

અમરસિંહ એક સમયે સત્તાની ગલીયારીઓમાં જબરજસ્ત પ્રભુત્વ ધરાવતા હતા અને ઉત્તર પ્રદેશના કદાવર નેતા ગણાતા હતા. યુપીએ-1ના શાસનમાં મનમોહનસિંહની સરકાર બચાવીને અમરસિંહ કિંગમેકર તરીકે ઊભરી આવ્યા હતા. અમિતાભ બચ્ચન તથા અનિલ અંબાણી સાથે તેમને ઘરોબો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરસિંહના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરતાં ટ્વીટ કરી જણાવ્યું કે, વરિષ્ઠ નેતા અને સાંસદ અમરસિંહના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. તેઓ ખૂબ જ એનર્જેટિક અને વિનોદી હતા. તેમણે છેલ્લા દાયકામાં રાજકારણમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. બધા જ પક્ષોમાં તેમના મિત્રો હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ અમરસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમરસિંહ હાલ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા. 5મી જુલાઈ 2016ના રોજ રાજ્યસભામાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

તેઓ સમાજવાદી પક્ષમાં મહાસચિવપદે પણ રહી ચૂક્યા છે. ભૂતપૂર્વ નેતા અમરસિંહે શનિવારે મૃત્યુના થોડાક કલાક પહેલાં ટ્વીટર પર મહાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકને 100મી મૃત્યુતીિથ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને લોકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમના મૃતદેહને ભારત લવાશે.

અમરસિંહની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ સાથે થઈ હતી અને ભાજપ સાથે પૂરી થઈ હતી. યુપીએ-1ના શાસનમાં વર્ષ 2008માં ભારતે અમેરિકા સાથે નાગરિક પરમાણુ સોદો કરતાં ડાબેરીઓએ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. આ સમયે અમરસિંહના કહેવાથી જ મુલાયમસિંહ યાદવે મનમોહન સરકારને ટેકો આપ્યો હતો. આ સમયે અમરસિંહ કિંગમેકર તરીકે ઊભરી આવ્યા હતા.

અમરસિંહ એક સમયે સમાજવાદી પક્ષમાં મુલાયમસિંહ યાદવ પછી બીજાનંબરના નેતા હતા, પરંતુ જોકે, કેશ ફોર વોટ કૌભાંડમાં અમરસિંહનું નામ ઉછળ્યું હતું અને તેમની ધરપકડ પણ થઈ હતી. ત્યાર પછી તેમણે વર્ષ 2010માં તેમણે પક્ષમાં બધા જ પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યાર પછી અમરસિંહનું રાજકીય પતન શરૂ થયું હતું.

જોકે, પાછળથી મુલાયમસિંહ સાથે સમાધાન થતાં અમરસિંહ ફરી સપામાં જોડાયા હતા. પરંતુ શિવપાલ યાદવ અને અખિલેશ યાદવના ઝઘડામાં અખિલેશે અમરસિંહને વિલન ગણાવ્યા હતા.

અમરસિંહની ફરી 2017માં પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. જોકે, બિમાર થતાં પહેલાં ભાજપ સાથે તેમના સંબંધો સુધર્યા હતા. અમરસિંહે તેમની બધી જ સંપત્તિ રાષ્ટ્રીય સેવક સંઘની સંસૃથાઓને દાન કરવાની જાહેરાત પણ કરી હતી. એક સમયે અમરસિંહ, અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી અને સુબ્રતો રોયની મિત્રતા ખૂબ જ ચર્ચા થતી હતી.

‘ટાઈગર અભી જિંદા હૈ’ : માર્ચમાં અમરસિંહનો વીડિયો

સિંગાપોર, તા. 1

અમરસિંહ બિમાર હોવા છતાં સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ હતા. માર્ચ મહિનામાં જ તેમના મોતની અફવા ઊડી હતી. આ સમયે મોતની અફવાઓ પર વિરામ મૂકતાં અમરસિંહે એક વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, ‘ટાઈગર અભી જિંદા હૈ ઔર બીમારી સે ઝુઝ રહા હૈ.’ તેમના અગાઉના અનુભવોને શૅર કરતાં તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય પહેલાં કરતાં કથળ્યું છે, છતાં દર વખતની જેમ તે મોતના મોંમાંથી પાછા આવશે.

વીડિયોમાં અમરસિંહે કહ્યું હતું, સિંગાપોરથી અમરસિંહ બોલું છું. બિમાર છું, મુશ્કેલીઓથી ત્રસ્ત છું, પરંતુ ડર્યો નથી. હિંમત, જોશ, હોશ બધું જ બાકી છે. મારા શુભચિંતકો અને મિત્રોએ અફવા ફેલાવી કે યમરાજાએ મને તેમની પાસે બોલાવી લીધા છે. પરંતુ એવું બિલકુલ નથી. મારી સારવાર ચાલી રહી છે. જે મિત્રો મારા મૃત્યુની કામના કરી રહ્યા છે તે આ કામના છોડી દે.

દરેક વખતે હું મોતના દરવાજેથી પાછો ફર્યો છું. એક વખત ઝાંસીમાં વિમાનમાંથી પડયો હતો તો પણ યમરાજાએ સ્વીકાર કર્યો નહીં. દસ વર્ષ પહેલાં પણ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને પાછો ફર્યો હતો. મીડલ ઇસ્ટમાં પણ 12-13 દિવસ રહીને મોત સામે લડીને પાછો આવ્યો હતો. આ વખતે પણ હું પાછો ફરીશ.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.