સાંસદોના સમર્પણ અને સેવાભાવથી જ નવા સંસદભવનની પ્રાણ પ્રતિષ્ઠા થશે : મોદી

– રાજકારણમાં વિચારધારા અલગ હોઈ શકે, પરંતુ જનતાની સેવાના અંતિમ લક્ષ્યમાં કોઈ મતભેદ ન હોવો જોઈએ : વડાપ્રધાન

જૂના સંસદ ભવનમાં દેશની જરૂરિયાતો પૂરી કરવા કામ કરાયું, નવા ભવનમાં 21મી સદીની મહત્વાકાંક્ષાઓ પૂરી કરાશે : મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને સિમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે. ભારત તેની સ્વતંત્રતાના 75મા વર્ષે ઊજવણી કરશે ત્યારે સંસદની ઈમારત તેની પ્રેરણા હશે. વિડંબના જૂઓ કે આજે ભારતનું લોકતંત્ર આપણને પશ્ચિમી દેશોના ઉદાહરણો પરથી સમજાવાય છે.

આપણે આપણા લોકતંત્રના ગુણગાન કરીશું તો એ દિવસ દૂર નથી જ્યારે દુનિયા કહેશે ‘ભારત લોકતંત્રની જનની છે.’ દેશના ઈતિહાસમાં ગુરૂવારનો દિવસ ઘણો જ મહત્વનો રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો, જેમાં આધુનિક સુખ સુવિધાઓ હશે. નવું સંસદ ભવન વર્ષ 2022 સુધીમાં તૈયાર થઈ જશે.  ભૂમિ પૂજન અને સર્વધર્મ પ્રાર્થના પછી વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં લોકતંત્ર એક સંસ્કાર છે. ભારત માટે લોકતંત્ર જીવન મૂલ્ય, જીવન પદ્ધતિ, રાષ્ટ્ર જીવનની આત્મા છે. નીતિઓમાં અંતર હોઈ શકે, રાજકારણમાં ભિન્નતા હોઈ શકે, પરંતુ આપણે જનતાની સેવા માટે છીએ તે અંતિમ લક્ષ્યમાં કોઈ મતભેદ ન હોવો જોઈએ. વાદ-સંવાદ સંસદની અંદર હોય કે સંસદની બહાર તેનાથી રાષ્ટ્ર સેવાનો સંકલ્પ દેખાવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે સાંસદો ના સમર્પણ અને સેવાભાવથી જ નવા સંસદ ભવનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તેમણે દેશવાસીઓને આપણા માટે દેશહિતથી વધુ મોટું બીજું કોઈ હિત ક્યારેય નહીં હોય તેવી પ્રતિજ્ઞાા લેવા પણ હાકલ કરી હતી. આપણા માટે દેશની એકતા, અખંડતાથી વધુ બીજું કશું નહીં હોય… આપણે ઈન્ડિયા ફર્સ્ટનો સંકલ્પ લેવો જોઈએ. ભારતના લોકતંત્રમાં સમાયેલી શક્તિ જ દેશના વિકાસને નવી ઊર્જા આપી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીના ભારતને નવું સંસદ ભવન મળવું જરૂરી છે. નવા સંસદ ભવનમાં અનેક સુવિધાઓ હશે. નવું ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે. આગામી પેઢીઓ નવા સંસદ ભવન પર ગૌરવ કરશે. સંસદ ભવનની ઊર્જાનો સ્રોત આપણું લોકતંત્ર છે. જૂના સંસદ ભવનમાં દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરવામાં આવ્યું હતું. હવે નવા સંસદ ભવનમાં 21મી સદીના ભારતની મહત્વાકાંક્ષાઓ પૂરી કરાશે.

વડાપ્રધાને કહ્યું કે વર્તમાન સંસદ ભવનમાં સ્વતંત્રતાના આંદોલન, સ્વતંત્ર ભારત, સ્વતંત્ર ભારતની પહેલી સરકાર, પહેલી સંસદ, બંધારણ રચાયા હતા. જૂના સંસદ ભવને આઝાદી પછી ભારતને દિશા આપી. આ ભવનમાં બનેલો દરેક કાયદો, કહેવાયેલી દરકે વાત આપણા લોકતંત્રની ધરોહર છે, પરંતુ આપણે વાસ્તવિક્તા સ્વીકારવી જરૂરી છે. જૂની ઈમારત સો વર્ષની થઈ રહી છે.

છેલ્લા કેટલાક સમયમાં જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરાયા. એટલું જ નહીં લોકસભામાં બેસવાની જગ્યા વધારવા માટે દિવાલો પણ હટાવાઈ, હવે સંસદનું ભવન આરામ માગી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે દુનિયામાં 13મી સદીમાં મેગ્નાકાર્ટા પહેલાં જ 12મી સદીમાં ભગવાન બસવેશ્વરે તામિલનાડુના એક ગામમાં લોકસંસદની શરૂઆત કરી હતી. તે ગામમાં આજે પણ તેવી જ રીતે મહાસભા બેસે છે અને આ પરંપરા એક હજાર વર્ષથી ચાલી રહી છે.

જૂના સંસદ ભવનને મ્યુઝિયમ બનાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. નવું સંસદ ભવન તૈયાર થઈ ગયા પછી જૂના ભવનનો ઉપયોગ સમયે સમયે સંસદીય કાર્યક્રમો માટે કરાશે. ઉપરાંત તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, જેથી નવી પેઢી દેશના લોકતાંત્રિક પ્રવાસ અંગે માહિતી મેળવી શકે. વર્તમાન સંસદ ભવન 560 ફૂટના વ્યાસનું છે, જે મોટા કાર્યક્રમો યોજવા માટે સક્ષમ છે.

વર્તમાન સંસદ ભવનનો શિલાન્યાસ 12મી ફેબુ્રઆરી 1921ના રોજ કરાયો હતો અને તે છ વર્ષમાં 83 કરોડના ખર્ચે તૈયાર થયું હતું.તેનું ઉદ્ધાટન ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ ઈરવિને 18 જાન્યુઆરી 1927ના રોજ કર્યું હતું. અગાઉ વર્તમાન સંસદ ભવનમાં ફેરફારનો વિચાર કરાયો હતો, પરંતુ સાંસદોની સંખ્યા વધે તો તેમની જરૂરિયાતો પૂરી કરી શકાય તેમ ન હોવાથી નવું સંસદ ભવન બનાવવાનો વિચાર કરાયો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.