સંરક્ષણ પેનલમાંથી પ્રજ્ઞાની હકાલપટ્ટી, પક્ષના સંસદોની બેઠકમાં હાજરી પર પણ પ્રતિબંધ

સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીથી ભારે હોબાળો સર્જાયો હતો. ભાજપે આ ટીપ્પણી બદલ પ્રજ્ઞા ઠાકુરની ઝાટકણી કાઢી હતી અને તેની સામે આકરાં પગલાં લીધા છે.

ભાજપે પ્રજ્ઞા ઠાકુરની સંરક્ષણ પેનલમાંથી હકાલપટ્ટી કરી હતી તેમજ ભાજપની સંસદીય બેઠકમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. બીજીબાજુ રાહુલ ગાંધીએ પ્રજ્ઞાા ઠાકુરને ‘આતંકી’ ગણાવી હતી. જોકે, સમગ્ર વિવાદમાં પ્રજ્ઞા ઠાકુરે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેણે ઉધમસિંહનું અપમાન સહન ન કર્યું. અસત્યના વાવાઝોડામાં સત્ય ખોવાઈ ગયું.

ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે સંસદમાં નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં ભારે વિવાદ સર્જાયો હતો. પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી વિપક્ષની સાથે ભાજપમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભાજપના કાર્યકારી  અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે ભાજપ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીની ટીકા કરે છે. પક્ષ આવા નિવેદનોનું ક્યારેય સમર્થન નથી કરતો. કિથત નિવેદન બદલ પ્રજ્ઞા ઠાકુર સામે પગલાં લેતાં ભાજપે સંરક્ષણ સમિતિમાંથી પ્રજ્ઞા ઠાકુરની હકાલપટ્ટી કરી હતી.

તાજેતરમાં જ પ્રજ્ઞા ઠાકુરનો સંરક્ષણ સમિતિમાં સમાવેશ કરાયો હતો. તે સમયે પણ વિવાદ સર્જાયો હતો. સંરક્ષણ સમિતિમાંથી હકાલપટ્ટી ઉપરાંત ભાજપે શિયાળુ સત્ર દરમિયાન પક્ષની સંસદીય બેઠકમાં હાજરી આપવા સામે પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગોડસેને દેશભક્ત કહેવા બદલ પ્રજ્ઞા ઠાકુરની ઝાટકણી કાઢી હતી અને તેમને આતંકી ગણાવી હતી. રાહુલે ટ્વીટ કરતાં લખ્યું કે, આતંકી પ્રજ્ઞાએ સંસદમાં ગોડસેને એક દેશભક્ત કહ્યા છે. ભારતીય સંસદના ઇતિહાસમાં આ એક દુ:ખદાયક દિવસ છે.

મીડિયા સાથે વાતચીતમાં રાહુલે જણાવ્યું કે પ્રજ્ઞા ઠાકુર એ જ કહી રહી છે જે ભાજપ અને આરએસએસનો આત્મા છે. વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીજીનું નામ ગમે તેટલું લે, પરંતુ તેમનો આત્મા ક્યારેય છૂપો નથી રહી શકતો. ગમે ત્યારે તે બહાર આવે જ છે. પ્રજ્ઞા ઠાકુરે આ બાબત પુરવાર કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.