સરહદે 450 આતંકીઓ ઘુસવાની ફિરાકમાં, પીઓકેમાં કેમ્પો વધુ સક્રિય

કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ પાકિસ્તાનની અવળચંડાઇ જારી છે અને આતંકીઓની સંખ્યા પણ વધારવા લાગ્યું છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને સરહદે ૪૫૦ આતંકીઓને ખડકી રાખ્યા છે જે ગમે ત્યારે ભારતમાં ઘુસી શકે છે. એક સિનિયર સરકારી અધિકારીએ આ માહિતી મીડિયાને આપી હતી, જેમાં વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સરહદે ગોળીબાર કરીને સૈન્યનું ધ્યાન ભટકાવી આ આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવાની ફિરાકમાં છે.

દિલ્હી સ્થિતિ નેશનલ સિક્યોરિટી પ્લાનરને મળેલા ગુપ્ત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને આતંકીઓની સંખ્યાને બેગણી કરી દીધી છે. વળી આ સંખ્યા એક સપ્તાહમાં જ પાકિસ્તાને વધારી દીધી છે, આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાન પોતાની આતંકીઓની યાદીમાંથી આતંકીઓના નામ કમી કરવા લાગી છે.

આ અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર બે કે ત્રણ સપ્તાહમાં જ પાકિસ્તાને સરહદે લોંચપેડ પર આતંકીઓની સંખ્યાને બમણી કરી દીધી છે. મહિના પહેલા આ આતંકીઓની સંખ્યા ૨૫૦ હતી તે હવે વધીને ૪૫૦ને પાર પહોંચી ગઇ છે, એટલે ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાન સરહદે વધુ સક્રિય થઇ ગયુ છે સાથે જ સતત ૨૦ દિવસથી તેણે ગોળીબારનું પ્રમાણ પણ વધારી દીધુ છે. સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ અનુસાર ૧૬ ટેરર કેમ્પ હાલ સરહદે ધમધમી રહ્યા છે જેમાં પીઓકેમાં જ ૧૧ કેમ્પ આવેલા છે. જ્યારે બે પાકિસ્તાનના પંજાબમાં અને ત્રણ ખૈબર પ્રાંતમાં છે.

પીઓકેમાં ૧૧માંથી સાત કેમ્પો હાઇબ્રિડ માનવામાં આવે છે કે જ્યાં આતંકીઓને તાલિમથી લઇને નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરાય છે. આ રિપોર્ટ સામે આવ્યા જ છે ત્યાં સરહદે ઘુસણખોરી કરતો એક આતંકી ઠાર મારવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ કાશ્મીરમાં ઘુસેલા બે આતંકીઓને કુલગામમાં ઠાર મારવામાં આવ્યા છે. આ બન્ને આતંકીઓએ પહેલા પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો, જવાબી કાર્યવાહીમાં બન્નેને બાદમાં ઠાર મારવામા આવ્યા છે. દરમિયાન પંજાબ સ્થિત પાકિસ્તાની સરહદે એક ૩૦ વર્ષીય પાકિસ્તાની શખ્સને બીએસએફએ ઝડપી પાડયો હતો. આ શખ્સનું નામ શાબાઝ છે અને તે પાક.ના કસુર જિલ્લાનો વતની છે, તેની પાસેથી છ ફેસ માસ્ક, કેટલીક ખાલી પ્લાસ્ટિક બોટલો મળી આવી છે. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.