કોરોના વાયરસના કેરની વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે.
સામાન્ય રીતે જૂનમાં જ શરૂ થઇ જતી કૈલાસ યાત્રામાં ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે. હિન્દુ ધર્મમાં ચાર યાત્રાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવેલું છે અને જેમાં કૈલાસ માનસરોવરનો પણ સમાવેશ થાય છે.
ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ સુધી યાત્રાનો પ્રારંભ થયો થયો નથી. અધૂરામાં પૂરું હવે ચીન સામે સરહદે તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં આ વખતે કૈલાસ માનસરોવર યોજાય જ નહીં તેની સંભાવના વધી ગઇ છે. અલબત્ત, આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
જાણકારોના મતે કૈલાસ માનસરોવર યાત્રા ઉત્તરાખંડના લિપુલેખ પાસ, સિક્કીમના નાથુલા પાસ એમ બે રૂટ ધરાવે છે. સિક્કીમ સરકારે એપ્રિલમાં જ જાહેરાત કરી હતી કે કોરોના સંક્રમણને પગલે કૈલાસ માનસરોવર યાત્રા અને પાડોશી દેશ સાથે વેપારની મંજૂર નહીં આપવામાં આવે.
એક ટુરિઝમ કંપનીના એમડી મનીષ શર્માએ જણાવ્યું કે, ‘પ્રવર્તમાન સ્થિતિમાં આ વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા યોજાય જ નહીં તેની પૂરી
સંભાવના છે. કૈલાસ માનસરોવરની યાત્રા માટે ચીનની મંજૂરી લેવી જ પડે નહીં અને તે ભારતમાં જ ભળી જાય તે દિશામાં વ્યૂહાત્મક પગલું લેવાનું વિચારવું જોઇએ. ચીન છેલ્લા કેટલાક સમયથી કૈલાસ માનસરોવરની એન્ટ્રી ફીમાં પણ સતત વધારો કરી રહ્યું છે. ‘
આ ઉપરાંત કેટલાક ટૂર ઓપરેટર હવે ચીનનો પ્રવાસ જ બંધ કરવાની વિચારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.