સરહદ પર ફાયરિંગ દરમિયાન કસ્ટડીમાં લીધેલા ભારતીય નાગરિકને નેપાળે મુક્ત કર્યો

એક પરિવાર નેપાળ જઈ રહ્યો હતો ત્યારે નેપાળી સુરક્ષા દળોએ તેમને અટકાવી પાછા જવા કહેલું જેથી વિવાદ થયો હતો

 

નેપાળે શુક્રવારે ભારત-નેપાળ સરહદ પર ફાયરિંગની ઘટના દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવેલા ભારતીય નાગરિકને મુક્ત કરી દીધો છે. શુક્રવારે સવારે ફાયરિંગની ઘટના બાદ નેપાળ પોલીસે ભારતીય નાગરિક રામ લગન રાયને પકડી લીધો હતો અને શનિવારે વહેલી સવારે તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

હકીકતે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે સરહદ પર ફાયરિંગ થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મામલે બિહારની સીતામઢી પોલીસે પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. રિપોર્ટ પ્રમાણે નેપાળના સુરક્ષા દળોએ લગન રાય નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.

આ ઘટના બિહારમાં ભારત-નેપાળ સરહદ પાસે સીતામઢીના સોનબરસા થાણા ક્ષેત્રના જાનકી નગર વોર્ડ ખાતે બની હતી. એસએસબીના ડીજી રાજેશ ચંદ્રએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે એક પરિવાર નેપાળ જઈ રહ્યો હતો ત્યારે નેપાળી સુરક્ષા દળોએ તેમને સરહદ પર રોકી દીધા હતા અને પાછા જવા કહ્યું હતું જેથી વિવાદ થયો હતો અને નેપાળી સુરક્ષા દળોએ ફાયરિંગ કરી દીધું હતું.

હમણાંથી ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની અને લિપુલેખને લઈ વિવાદ ચાલી રહ્યો છે તેવામાં ફાયરિંગની આ ઘટના સામે આવી છે. નવેમ્બર 2019માં ભારતીય ગૃહ મંત્રાલયે એક નવો નકશો જાહેર કર્યો હતો જેમાં કાલાપાની ક્ષેત્રનો સમાવેશ કર્યો હતો જેના પર નેપાળ પોતાનો દાવો કરે છે. તે ભારતના વિસ્તારોને પણ પોતાના ગણાવી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.