સરહદે ઘર્ષણનો બદલો લેવા ચીની વસ્તુઓના ઓર્ડર કેંસલ થવા લાગ્યા

સરહદે ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે વર્ષો પછી ઘર્ષણ થયું હતું. જેને પગલે ૨૦ જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા છે. આ ઘર્ષણની અસર હવે સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે અને ચીન પ્રત્યેનો લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીનથી આવતી દરેક વસ્તુઓના ઓર્ડર વ્યાપારીઓથી લઇને મોટા બિઝનેમેસ કેન્સલ કરવા લાગ્યા છે.

કોલકાતા કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ અસોસિએશનના પ્રમુખ સુજિત ચક્રબર્તીએ કહ્યું હતું કે લોકડાઉનને કારણે પહેલાથી ચીન સાથેનો વ્યાપાર ઠપ છે. જોકે તે બાદ ઓર્ડર આપવાનું શરૂ થઇ ગયું હતું પરંતુ સરહદે જે ઘર્ષણ થયું તે જોતા હવે વ્યાપારીઓ ચીની વસ્તુઓના આપેલા ઓર્ડર પણ રદ કરવા લાગ્યા છે.

નાના રમકડાથી લઇને લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીયલ વસ્તુઓ ચીનથી આવે છે. નિકાસકારો પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન રવી સેહગલે કહ્યું હતું કે સરહદે જે વિવાદ ચાલી રહ્યો છે તેની અસર હાલ જોવા મળી રહી છે અને કેટલા સમય સુધી આમ જ ચાલશે તે ખ્યાલ નથી પણ લાંબાગાળે નિકાસકારો અને આયાતકર્તાઓ સામાન્ય રીતે પોતાના બિઝનેસમાં રાજકારણને નથી લાવતા.

ચીન અને ભારત બન્ને દેશના વ્યાપારીઓ કોઇને કોઇ વસ્તુની આયાત નિકાસ કરતા રહ્યા છે. જોકે ચીનથી સામાન્ય પીનથી લઇને મોટા મશીન સહિતની વસ્તુઓની આયાત ભારતમાં થતી હોય છે અને અમેરિકા પછી એક વિશાળ માર્કેટ ચીને ભારતમા ઉભુ કરી લીધુ છે અને બીજી તરફ સરહદે ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ કરી રહ્યું છે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટ પર જેટલો પણ સામાન આવે છે તેમાંથી ૨૦ ટકા ચીનનો હોય છે. ચીન ભારતને મોબાઇલ, કોમ્પ્યૂટર, સર્કિટ્સ, ફર્ટિલાઇઝર, એન્ટીબાયોટિક્સ વગેરે પણ મોકલે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.