સરકાર ઉંઘતી રહી અને ચીન કાવતરુ ઘડીને હુમલો કરી ગયુઃ રાહુલ ગાંધી

લદ્દાખ બોર્ડર પર ચીને કરેલી દગાબાજી અને ભારતના 20 જવાન શહીદ થવાની ઘટના બાદ આખા દેશમાં ભારે રોષની લાગણી છે.

દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે પણ ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યુ છે.પીએમ મોદીની આગેવાની હેઠળ ચીન મુદ્દે યોજાનારી સર્વ પક્ષીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ચીનનો હુમલો કરવાનો પ્લાન પહેલેથી જ હતો પણ આપણી સરકાર ઉંઘતી રહી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એક પછી એક ત્રણ મુદ્દાઓ ઉઠાવતા કહ્યુ હતુ કે, હવે સ્પષ્ટ થઈ ચુક્યુ છે કે, ગલવાનમાં થયેલો ચીનનો હુમલો પૂર્વઆયોજિત હતો.ભારત સરકાર આ દરમિયાન ઉંઘતી રહી હતી અને સમસ્યાને ટાળતી રહી હતી.સરકારની બેદરકારીનુ પરિણામ આપણા જવાનોને સહન કરવુ પડ્યુ છે.

રાહુલ ગાંધીએ પોતાના સમર્થનમાં રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રીનુ એ નિવેદન પણ ટાંક્યુ છે જેમાં મંત્રી શ્રીપદ નાઈકે કહ્યુ હતુ કે, ચીન દ્વારા થયેલો હુમલો પહેલેથી જ પ્લાન કરેલો હતો.ભારતની સેના તેનો જડબાતોડ જવાબ આપશે.

ગઈકાલે પણ રાહુલ ગાંધીએ એક વિડિયો રિલિઝ કર્યો હતો.રાહુલ ગાંધીએ  સવાલ કર્યો હતો કે, ચીને ભારતના નિશસ્ત્ર સૈનિકોની હત્યા કરી છે.હું પૂછવા માંગુ છુ કે, આ વીર સૈનિકોને વગર હથિયારે જોખમ તરફ કોણે મોકલ્યા અને કેમ મોકલ્યા, આના માટે જવાબદાર કોણ છે.

રાહુલ ગાંધીએ આજે યોજાનારી બેઠક પહેલા જ  જે રીતે નિવેદન આપ્યુ છે તે જોતા એવુ લાગી રહ્યુ છે કે, ચીનના મુદ્દે સરકારે બોલાવેલી બેઠકમાં વિરોધ પક્ષના નેતાઓ સરકારને અણિયાળા સવાલો પૂછવાની તૈયારી કરીને બેઠા છે.આ મુદ્દે સરકાર શું જવાબ આપે છે તેના પર દેશના લોકોની પણ નજર રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.