સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે માસ્ક ફરજીયાત

– સરકારી કચેરીમાં આવતા પ્રત્યેક વાહનને સેનેટાઇઝ કરાશે


20 એપ્રિલથી આ માર્ગદર્શિકાઓ સાથે સરકારી કચેરીઓ ચાલુ થશે

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 20 એપ્રિલથી 3 મે 2020સુધી સરકારની કચેરીઓ સિમીત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.

જેના ભાગરૂપે જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે. તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહિ. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સિમીત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

કોવિડ-19 ચેપ વાયરસ સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસીટી વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.  વન વિભાગ હેઠળની કચેરી ઝૂ, નર્સરી, વાઇલ્ડલાઇફ સંબંધિત પ્રવૃતિ અંગે ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે વર્ગ-1,2ના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સૂચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે. વર્ગ-3 અને તેથી નીચેના કર્મચારીઓ સંબંધમાં 33 ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે. અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

આ સુચનાઓ સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સીંગ અને કર્મચારીઓની આરોગ્ય સલામતિ માટે કેટલીક ચોક્કસ કાર્યવાહી પણ કરવાની રહેશે.  કચેરીના હદ વિસ્તારમાં નીચેના સહિત તમામ વિસ્તારોને, શરીરને હાનિકારક ન હોય તેવા, ચેપરહિત બનાવે તેવા માધ્યમો વડે ચેપરહિત બનાવવાના રહેશે.

આ કામગીરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/સત્તામંડળની મદદ લઇ શકાશે. દરેક કચેરીના બધાં કર્મચારીઓએ કામના સ્થળે ફરજિયાતપણે માસ્ક/Face cover પહેરવાનું રહેશે. વિસ્તારમાં પ્રવેશતાં તમામ વાહનો અને યંત્રસામગ્રીને સ્પ્રે કરીને ચેપ રહિત બનાવવામાં આવશે.

કામના સ્થળે પ્રવેશતા અને ત્યાંથી વિદાય લેતાં દરેક વ્યકિતનું ફરજિયાત થર્મલ સ્કેનિંગ કરવાનું રહેશે. પ્રવેશ તથા બહાર જવાના તમામ સ્થળોએ અને સહિયારા ઉપયોગના વિસ્તારને, હાથ ધોવાની અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.