નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે કે રૂ. નવ લાખ કરોડ સુધી આંબી ગઈ છે.
લોકસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રીએ આ આંકડા આપ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, 2015માં સરકારે એક ચોક્કસ સમયમર્યાદામાં તપાસ અને અહેવાલ રજૂ કરવાના હેતુથી એક ફ્રેમવર્ક ઈસ્યૂ કર્યું હતું. આ ફ્રેમવર્કનો હેતુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ. 50 કરોડથી વધુ રકમના કથિત કૌભાંડની તપાસ અને ઉકેલ લાવવાનો હતો. આ ફ્રેમવર્કની મદદથી બેન્કિંગ સિસ્ટમમાં અનેક પાયાના અને પ્રક્રિયાત્મક સુધારા કરવાનો તેમજ શંકાસ્પદ બેન્કિંગ વ્યવહારો પર કાબૂ રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આરબીઆઈએ ડિસેમ્બર 2019માં જાહેર કરેલા ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે, આ ફ્રેમવર્કની મદદથી જાહેર ક્ષેત્રની નોન-બેન્કિંગ એસેટ સહિતની છેતરપિંડીને લગતા અનેક વર્ષો જૂના કૌભાંડ બહાર લાવવામાં મદદ મળી રહી છે.
આ દરમિયાન સીતારામને છેલ્લાં વર્ષોની બેન્ક છેતરપિંડી અને એનપીએને લગતા આંકડા પણ રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, આ પદ્ધતિથી તપાસ અને રિપોર્ટીંગના કારણે છેલ્લાં વર્ષોમાં થયેલા કૌભાંડની મોટી રકમ બહાર આવી છે, જેથી બેન્ક છેતરપિંડીનો આંકડો મોટો દેખાઈ રહ્યો છે, પરંતુ સમયાંતરે તેમાં ઘટાડાનો ટ્રેન્ડ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.