સરકારો મહેનત નથી કરતી, અનેક દેશો ખોટી દિશામાં જઈ રહ્યા છેઃ કોરોના મામલે WHOની ચિંતા

 

કોરોના વાયરસના કેસની સંખ્યા ઘટાડવામાં નિષ્ફળ રહેવાને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારે વિશ્વના વિભિન્ન દેશોની સરકારની ટીકા કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રિયેસુસે જણાવ્યું કે, સરકારો કોરોના વાયરસ મામલે વિભિન્ન મેસેજ આપી રહી છે અને લોકોનો વિશ્વાસ ગુમાવી રહી છે. કોરોના વાયરસના મોટા કેસને રોકવામાં નિષ્ફળતાનો મતલબ આપણે નજીકના ભવિષ્યમાં સામાન્ય જિંદગીમાં નહીં પરત ફરી શકીએ તેવો થાય છે.

જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સરકારોની ટીકા દરમિયાન કોઈ ખાસ રાજનેતા કે દેશનું નામ નહોતું લીધું. ટેડ્રોસે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીને લઈ અનેક દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે. કેટલાક દેશો સંક્રમણ રોકવા યોગ્ય પગલા નથી ભરી રહ્યા. જો કે સાથે જ સંગઠને સરકારો માટે કોરોના વાયરસ મહામારી રોકવી કેટલી મુશ્કેલ છે તેમ પણ સ્વીકાર્યું હતું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્વીકાર્યું કે, પ્રતિબંધોના કારણે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિણામો ભોગવવા પડે છે. કોરોના વાયરસ જનતાનો દુશ્મન નંબર-1 બન્યો છે પરંતુ અનેક દેશોની સરકાર અને જનતા આ વાત નથી સમજી રહ્યા. જીનેવા ખાતે પત્રકારોને સંબોધિત કરતી વખતે ટેડ્રોસે જણાવ્યું કે, કોરોના વિરૂદ્ધ કાર્યવાહી માટે જનતાનો ભરોસો હોવો સૌથી જરૂરી વસ્તુ છે પરંતુ નેતાઓ તરફથી અલદ અલગ સંદેશા સામે આવે છે માટે આ વિશ્વાસ ઘટી રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે વિવિધ સરકારોએ લોકોના સ્વાસ્થ્ય માટે સ્પષ્ટ સંદેશો આપવો જોઈએ અને સામાન્ય લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હાથ સાફ કરવા ઉપરાંત લક્ષણો દેખાવા પર ઘરમાં રહેવા સમજાવવું જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ નિવેદનના એક દિવસ પહેલા વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 2.3 લાખ નવા કેસ સામે આવ્યા હતા. તે પૈકીના 80 ટકા કેસ માત્ર 10 દેશોમાંથી જ હતા.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે સરકાર અને સામાન્ય લોકોએ સ્થાનિક સ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં મોટા પ્રમાણમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.