સઉદી અરેબિયા અને રશિયા ક્રૂડ ઓઇલના પ્રાઇસ વોર મુદ્દે સમજૂતી કરી શકે છે તેવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઇન્ટ્રા ડે ૩૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
કોરોના લોકડાઉનને પગલે સમગ્ર વિશ્વમાં ક્રૂડની માગ ઘટી ગયા પછી ટ્રમ્પે બંને દેશના નેતાઓ સાથે ક્રૂડ ઓઇલ મુૂદ્દે વાત કરી હતી. ટ્રમ્પે આજે જણાવ્યું હતું કે મને આશા છે કે ઓઇલ અને ગેસ ઉદ્યોગને બચાવવા માટે સાઉદી અરેબિયા અને રશિયા ઓઇલનું ઉત્પાદન ઘટાડવા માટે સંમત થશે.
આજે ઇન્ટ્રા ડેમાં બ્રેન્ટ ક્રૂડ ૪૭ ટકા વધીને ૩૬.૨૯ ડોલર અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ૩૫ ટકા વધીને ૨૭.૩૯ ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. ટ્રમ્પે આજે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ૧ કરોડ બેરલથી લઇને ૧.૫ કરોડ બેરલનો ઘટાડો થઇ શકે છે. આ અંગે વધુ ચર્ચા કરવા ટ્રમ્પે અમેરિકાના ઓઇલ એક્ઝિક્યૂટીવ્સને વ્હાઇટ હાઉસમાં ચર્ચા માટે બોલાવ્યા હતાં.
બીજી તરફ ક્રેમલિને ટ્રમ્પના નિવેદનને ફગાવી દેતા જણાવ્યું હતું કે ઓઇલનું ઉત્પાદન ઘટાડવા માટે રશિયા અને સઉદી અરેબિયા વચ્ચે અત્યાર સુધી કોઇ મંત્રણા થઇ નથી અને મંત્રણાનું કોઇ આયોજન પણ કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છેે કે સઉદી અરેબિયાએ બુધવારે ઓઇલનું ઉત્પાદન મહત્તમ સ્તર સુધી વધારી દીધું હતું. સૂત્રોના જણાવ્યા સઉદી અરેબિયા હાલમાં દૈનિક ૧.૨ કરોડ બેરલ ઓઇલનું ઉત્પાદન કરે છે.
આ દરમિયાન સઉદી અરેબિયાએ ઓઇલના ભાવ સ્થિર કરવા માટે ઓપેક દેશોની બેઠક બોલાવવાનું જણાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ અને સઉદી અરેબિયાના પ્રિન્સ મોહંમદ બિન સલમાન વચ્ચે વાત થયા પછી સઉદી અરેબિયાએ ઓપેક દેશોની તાત્કાલિક બેઠક બોલાવવાની માગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.