રાજકોટના જામકંડોરણામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામા એક કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. જેને કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. રાજકોટ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 2 ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. સુત્રાપાડા પંથકમાં દોઢ કલામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે તાલાલાના ખીરધાર ગીર પાસે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ખીરધાર ગામે આંબખોઈ નદી બે કાંઠે વહી હતી.
જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોડિયા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. તો હડિયાણા ગામે પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ટંકારાના સજનપર અને વાંકાનેરના જાડેશ્વર મહાદેવ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
આણંદ જિલ્લાના બોરસદ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતા. બોરસદના રાસ, કઠાણા, અમીયાદ ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી વજ્રમી નદીમાં પૂર આવ્યું હતું. વજ્રમી નદીમાં પૂર આવતા ચેકડેમો છલકાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે ઈસ્કોન ગેટ પાસે પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભાણવડના શિવા ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.