સેના એલર્ટ, PM-વિદેશ મંત્રાલયનું આકરૂ વલણ, ચીનને ચારેય બાજુથી ઘેરી રહ્યું છે ભારત

લદ્દાખ પાસે ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા ત્યારબાદ તણાવ વધ્યો છે અને દેશભરમાં આ ઘટનાને લઈ રોષ વ્યાપ્યો છે જેની અસર સરકાર પર પણ દેખાઈ રહી છે. ચીને અનેક વખત દેશને દગો આપ્યો છે ત્યારે આ વખતે સરકાર કે સેના કોઈ ઢીલ મુકવા નથી માંગતા અને ચીનને આકરો જવાબ આપવા ચારે બાજુથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે. 20 જવાનોની શહીદી બાદ જે હલચલ વ્યાપી છે તેના પર એક નજર..

સેનાનું એલર્ટ લેવલ વધારાયું

ગાલવાન ઘાટીમાં થયેલી સમજૂતીનો ભંગ કરીને ચીની સૈનિકોએ પાછા જવાની મનાઈ કરી દીધી માટે બંને દેશના સૈનિકો વચ્ચે સંઘર્ષ વ્યાપ્યો હતો. તેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યુ હતું. ત્યાર બાદ થોડી ઘણી શાંતિ વ્યાપી છે પરંતુ ચીન હજુ પૂરી રીતે પાછળ નથી ગયું જેથી સેના એલર્ટ થઈ ગઈ છે. માત્ર લદ્દાખ બોર્ડર પાસે જ નહીં પણ ઉત્તરાખંડમાં ચીન સાથે જોડાયેલી સરહદ સહિત સંપૂર્ણ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સેનાનું એલર્ટ વધારી દેવાયું છે. તે સિવાય મોટી સંખ્યામાં સેનાના ટ્રક લદ્દાખ તરફ આગળ વધી રહ્યા છે.

લદ્દાખમાં માર્ગ નિર્માણનું કામ ઝડપી કરાયું

આ સાથે જ ભારત લદ્દાખમાં માર્ગ નિર્માણનું જે કામ કરી રહ્યું હતું તેની ઝડપ વધારી દેવામાં આવી છે. ચીનને આ માર્ગ નિર્માણ સામે જ સૌથી મોટો વાંધો છે કારણકે તેના વડે ભારતીય સેના માટે સરહદ સુધી પહોંચવુ વધુ સરળ બની જશે. તણાવ છતા ભારતે માર્ગ નિર્માણનું કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તેની ઝડપ વધારવા 1,500 જેટલા મજૂરોને લદ્દાખ માટે રવાના કરવામાં આવ્યા છે. લોકડાઉન સમયે કેટલાક મજૂરો પાછા આવી ગયેલા પરંતુ તેમને પણ પાછા મોકલી દેવાયા છે.

વડાપ્રધાનનું આકરૂ વલણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બુધવારના સંબોધનમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ચીનને આકરો સંદેશો પણ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ભારત કોઈને ઉશ્કેરતું નથી પણ જો ઉશ્કેરીને અમારા જવાનોને આવી રીતે મારવામાં આવશે તો ભારત યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. સાથે જ તેમણે આ જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય તેમ પણ કહ્યું હતું.

વડાપ્રધાનના નિવેદન બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફોન પર ચીની વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી જેમાં ગાલવાનની ઘટનાને ચીનનું સંપૂર્ણ તૈયારી સાથેનું ષડયંત્ર ગણાવ્યું હતું. ચીની વિદેશ મંત્રાલયે ગાલવાનને પોતાનું ગણાવ્યું તેના જવાબમાં ભારતે આ પ્રકારની પાયા વગરની વાતો સમજૂતીને નબળી બનાવશે તેમ કહ્યું હતું.

આર્થિક મોરચે ચીનને પછડાટ

જવાનોની શહીદી બાદ દેશભરમાં આક્રોશ વ્યાપ્યો છે અને અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ બધા વચ્ચે સરકારે પણ ચીનને આર્થિક મુદ્દે પછડાટ આપવાનો નિર્ણય લઈ લીધો છે. ટેલિકોમ વિભાગે બીએસએનએલને પોતાના વિભાગમાં મેડ ઈન ચાઈના પ્રોડક્ટ્સનો ઉપયોગ ઘટાડવા આદેશ આપ્યો છે. તે સિવાય 4જી માટેના ટેન્ડર રદ કરવા કહેવાયું છે જેથી ચીની કંપનીઓ તેનો હિસ્સો ન બની શકે. જ્યારે દિલ્હીથી મેરઠ માટે શરૂ થનારી રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટેનો ચીન સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવા વિચારણા ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.