સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી, કરી આ સિદ્ધિ હાંસલ

 નંબર વન અને ટોપ સીડ યોકોવિચ ડિફોલ્ડેટ થઈને બહાર થઈ જતાં હવે યુએસ ઓપન ચેમ્પિયન બનવા માટે ફેવરિટ મનાતા ઓસ્ટ્રિયાના થિયમે કેનેડાના અલિસેમને ત્રણ સેટના મુકાબલામાં ૭-૬ (૭-૪), ૬-૧, ૬-૧થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેની સાથે સાથે રશિયાના ત્રીજો સીડ ધરાવતા મેડ્વેડેવે અમેરિકાના ટિયાફોને ૬-૪, ૬-૧, ૬-૦ પરાજીત કરીને મેન્સ સિંગલ્સના અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતુ.

વિશ્વવિક્રમી ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતવા તરફ આગેકૂચ કરતાં અમેરિકાની સેરેના વિલિયમ્સે ૬-૩, ૬-૭ (૬-૮), ૬-૩થી ગ્રીસની મારિયા સાક્કારીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. ૩૮ વર્ષીય સેરેનાને આ સાથે સાક્કારી સામે ગત સપ્તાહે વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપન ટુર્નામેન્ટમાં મળેલી હારનો બદલો ચૂકવી દીધો હતો.

બેલ્જીયમની મેર્ટેન્સે અમેરિકાની બીજો સીડ ધરાવતી સોફિયા કેનિનને ૬-૩, ૬-૩થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. જ્યારે મેન્સ સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાના ડે મિનારે કેનેડાના પોસ્પિસિલની ડ્રીમ રનને અટકાવતા તેને ૭-૬ (૮-૬), ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો. પોસ્પિસિલ અગાઉ આગટ અને રાઓનિક જેવા ઈન ફોર્મ ખેલાડીઓને હરાવી ચૂક્યો હતો. ૧૦મો સીડ ધરાવતા રશિયાના રૃબ્લોવે છઠ્ઠા ક્રમાંકિત બેરેન્ટિનીને ૪-૬, ૬-૩, ૬-૩, ૬-૩થી પરાજીત કરીને આગેકૂચ કરી હતી.બેલારૃસની એઝારેન્કાએ ચેક રિપબ્લિકની મુચોવાને ૫-૭, ૬-૧, ૬-૪થી અને રશિયાની પિરાન્કોવાએ ફ્રાન્સની એલિઝા કોર્નેટને ૬-૪,૬-૭ (૫-૭), ૬-૩થી હાર આપી હતી.

માતા બની ચૂકેલી ત્રણ ખેલાડીઓ ક્વાર્ટર ફાઈનલમાં

યુએસ ઓપનમાં ત્રણ મહિલા ખેલાડીઓએ માતા બન્યા બાદ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચ્યો હતો. સેરેના વિલિયમ્સ, વિક્ટોરિયા એઝારેન્કા અને સ્વેત્લાના પિરોન્કોવાએ અંતિમ આઠમાં પ્રવેશવાની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતુ. ગ્રાન્ડ સ્લેમના ઈતિહાસમાં પહેલી વખત ત્રણ મહિલા ખેલાડીઓ માતા બન્યા બાદ એક જ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી હોય તેવી સૌપ્રથમ ઘટના બની હતી. યુએસ ઓપન શરૃ થઈ ત્યારે ડ્રો સામેલ ખેલાડીઓમાંથી નવ ખેલાડીઓ એવી હતી કે, જે માતા બન્યા બાદ સ્પર્ધામાં ઉતરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.