ભાવનગર-તળાજા હાઇ-વે પર ગંભીર અકસ્માત, બેના મોત થયા, જાન જાય એ પહેલા અર્થી ઊઠી…

રાજ્યમાંથી માર્ગ અકસ્માતની ઘટના ઘટવાનું નામ લેતી નથી. ખાસ કરીને નેશનલ હાઈવેને જોડતા હાઈવે પર અઠવાડિયામાં એક વખત તો એવો મોટો અકસ્માત થાય છે કે,વ્યક્તિ મોતને ભેટે છે. ભાવનગરના ભાવનગર તળાજા હાઈવે પર ટ્રક અને સ્વિફ્ટ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે બે વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને હનુમાન જયંતીનો દિવસ બે પરિવાર માટે અપશુકન સાબિત થયો છે.

સ્વિફ્ટ કાર લઈને ભાવનગર આવતો એક પરિવાર તણસા નજીક ટ્રક સાથે કાર અથડાતા કારમાં બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું અને કારમાંથી વ્યક્તિનું પ્રાણ પંખી ઉડી જતા પરિવારમાં માતમનો માહોલ છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ભાવનગર પાસે તળાજાના દિનદયાલ નગરમાં રહેતા વશરામભાઈ બારૈયા કલવાળાના પુત્ર ભાવેશ પોતાની કાર GJ11 AB 9097 લઈને પોતાના મિત્રો પ્રવિણ પરમાર, જયુભા ગોહિલ, રવુંભા ગોહિલ અને વીજપાલ સાથે રવુંભા ગોહિલને ડાયાલિસીસ કરાવવાનું હોવાથી સાથે જતા હતા.અને આશરે 10.30 વાગ્યે નેશનલ હાઈવે પર તણસાથી આગળ ટ્રક સાથે કાર અથડાતા કારનું કાગળની જેમ પડીકું વળી ગયું હતું.

ડ્રાઈવર સાઈડનો બુકડો બોલી ગયો હતો.અને જેમાં ચાલક ભાવેશ અને પ્રવિણનું મોત નીપજ્યું છે. એક કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ બન્યાની થોડી જ ક્ષણમાં માયા ટ્રાવેલ્સના સંચાલક કૃષ્ણદેવસિંહ સરવૈયાએ ત્યાંથી પસાર થતા તમામની ઓળખ કરી લીધી હતી અને બે વ્યક્તિને ગંભીર ઈજા થતા તેમણે ભાવનગરની હોસ્પિટલે સારવાર હેતું ખસેડ્યા હતા. જ્યારે મૃત્યું પામનાર બંનેનું પોસ્ટમોર્ટમ ઘોઘા હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે. પ્રવિણ પરમાર દરજીની દુકાન ચલાવે છે. ભાવેશના વૈશાખ મહિનામાં લગ્ન હતા.

મિત્રોમાંથી જાણકારી મળી હતી કે, એની સગાઈ વડોદરા ખાતે થઈ હતી. લગ્ન અંગે ભાવેશે સ્ટેટસ મૂક્યા હતા. પણ કુદરતને કંઈક બીજું મંજૂર હતું. સમગ્ર બનાવને લઈને ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બનાવ અંગેની હકીકત મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર તળાજા નેશનલ હાઇવે ફરી એકવખત ગોઝારો સાબિત થયો છે અને આમ સૌરાષ્ટ્રના હાઈવે રક્તરંજીત બની રહ્યા છે. પોલીસે ટ્રક ચાલક સામે તપાસ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.