ગુજરાતમાં ડિસેમ્બર મહિનાથી જ ઠંડીની શરૂઆત થઈ જાય છે. પણ આ વખતે ઠંડી મોડી આવી અને ગુજરાતમાં સોમવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.
જો સમગ્ર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં શિયાળાની પીડા દિવસેને દિવસે વધી રહી છે. રવિવારે ઠંડીએ નાતાલના દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને જેના કારણે સોમવારે ગુજરાતમાં પણ ઠંડીનો કહેર જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ગુલાબી ઠંડી શરૂ થઈ છે.
તે જ સમયે, રાજસ્થાનના ચુરુમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે પણ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર શીત લહેર જારી રહેવાની સંભાવના છે અને હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડી પડતાની સાથે જ લોકો ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે. કેટલાક લોકો ઠંડીની મજા માણી રહ્યા છે તો કેટલાક લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા વિસ્તારમાં અનુભવાઈ હતી. જ્યાં રવિવારે તાપમાનનો પારો 4.2 ડિગ્રી સુધી ગગડ્યો હતો. જેના કારણે લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા. ઠંડી શરૂ થતાં જ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે અને ગુજરાત માટે આગામી બે દિવસની આગાહી કરતાં રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. કચ્છના નલિયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.