બાયડમાં NCPની શંકરસિંહ વાઘેલાની (Shankarsinh Vaghela) સભા યોજાઇ હતી. જેમાં તેમણે ભાજપ તથા રાજ્યમાં દારૂબંધી પર અનેક કટાક્ષો કર્યા હતાં. તેમણે તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને (Mahendrasinh Vaghela) સંબોધીને કહ્યું કે ભાજપ તેમને છેતરી ગયા છે.
‘ચૂંટણીમાં દારૂ વહેંચાય છે’
બાયડમાં એનસીપીની સભામાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ‘બીજેપીનો ભાવ અમારા લીધે આવ્યો છે. અમે હતા ત્યારે લોકો તેમનો ભાવ પૂછતા હતાં નહીં તો કોઇ પહેલા ભાવ નહતું પૂછતું. અત્યારે મહેન્દ્રભાઇનો ભાવ કોઇ નથી પૂછતું. એમને પણ છેતરેલા. રાતે અગિયાર વાગે ફોન કરે કે આવી જાવ પટ્ટો પહેરીલો.’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘દારૂબંધીની વાત જ જવા દો, ચૂંટણીમાં દારૂનાં ક્વાર્ટરીયા વહેંચાય છે.’
ગુજરાતમાં દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યુ હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. જે બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારને દારૂબંધી પર ફરી વિચારણા કરવી જોઇએ. બાપુએ કહ્યું હતું કે, ‘અશોક ગહલોતે શાબ્દિક રીતે કંઇ કહ્યું હશે પરંતુ રાજ્યનો એક એવો એક કિલોમીટર પણ એવો નહીં હોય કે ત્યાં દારૂની પોટલીઓ નહીં મળતી હોય. હું ગાંધીનગરમાં રહું છું. જો રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં બંગલાની પાછળ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તો દારૂબંધી કેવી. શરમ છે સરકારને અને દારૂબંધીને. આની પર ફરીથી વિચાર કરવો જોઇએ. આ દારૂબંધી રાખો કે દારૂબંધી કાઢો.આ બધી ડ્રામાબાજીમાં આપણી જાતને છેતરવાની વૃત્તિ છે. ‘
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.