– એક જવાબદાર નેતા આવું બોલી શી રીતે શકે
તેજાબી સાધ્વી ઉમા ભારતીએ એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોઇ જવાબદાર નેતા આવું બોલી જ શી રીતે શકે. પવારનું આ વિધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નથી, ભગવાન રામ વિરોધી છે.
હાલ ભાજપ અને કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિારના શિલાન્યાસની તૈયારીમાં વ્યસ્ત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શિલાન્યાસ કરવા પધારવાની વિનંતી કરવામાં આવી હતી. એ સંદર્ભમાં એનસીપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે એેવો કટાક્ષ કર્યો હતો કે કેટલાક લોકોની માન્યતા એેવી છે કે રામ મંદિર બનશે એટલે કોરોના નષ્ટ થઇ જશે. કદાચ એટલે જ તેમણે શિલાન્યાસનો કાર્યક્રમ ગોઠવ્યો જણાય છે. અમારા માટે કોરોના મહામારી સામે લોકોને બચાવવાનો કાર્યક્રમ વધુ મહત્ત્વનો છે.
શરદ પવારે સાવ હળવી રીતે આ વિધાન કર્યું હતું અને ભાજપના કોઇ સિનિયર નેતાએ પવારના આ વિધાન વિશે પ્રતિભાવ વ્યક્ત કર્યા નથી. મોટા ભાગના નેતાઓએ આ વિધાનની ખુલ્લી ઉપેક્ષા કરી હતી. પરંતુ ઉમા ભારતીથી રહેવાયું નહોતું.
એક અભિપ્રાય મુજબ ઉમા ભારતી પક્ષના મોવડી મંડળ અને ખાસ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહની અમી નજર મેળવવાના પ્રયાસો કરી રહ્યાં હતાં. એ પ્રયાસના એક ભાગ રૂપે ઉમા ભારતીએ શરદ પવારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે શરદ પવારનું આ વિધાન વડા પ્રધાનની વિરુદ્ધ નથી, ભગવાન રામની વિરુદ્ધ છે. પવાર હિન્દુ છે પરંતુ એમને ભગવાન રામ માટે આદરભાવ હોય એેવું લાગતું નથી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે વડા પ્રધાનને રામ મંદિરના શિલાન્યાસ માટે આવતા મહિનાની બે તારીખો સૂચવી હતી. ત્રીજી અથવા પાંચમી ઑગસ્ટે વડા પ્રધાન આવે એેવી વિનંતી પણ કરવામાં આવી હતી. આજે સવારે વડા પ્રધાનના કાર્યાલયે પાંચમી ઑગસ્ટ પસંદ કરી હતી. યોગાનુયોગે આ તારીખે ગયા વરસે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ જાહેર કરાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.