શરદ પવારનો દાવો- વડાપ્રધાન મોદી અમારી સાથે કામ કરવા ઇચ્છતા હતા, પણ મેં એ પ્રસ્તાવ ફગાવી દીધો

મુંબઈ: NCP પ્રમુખ શરદ પવારે સોમવારે પહેલી વખત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની રણનીતિ અંગે વાત કરી. તેમણે કહ્યું કે- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં મળીને સાથે કામ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો પરંતુ મેં ફગાવી દીધો હતો. ચિંતા મોદીની ન હતી પરંતુ અમિત શાહની હતી. તેમનાથી હું સાવચેત હતો. અમારી બુદ્ધિમત્તા, આક્રમકતા અને જનાર્ધનના કારણે જ શાહના પ્રયાસો સફળ થઈ શક્યા નહીં.’

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપની સરકાર રાતોરાત બની અને ત્રણ દિવસ બાદ પડી પણ ગઈ. પછી શિવસેના-કોંગ્રેસ અને એનસીપીએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી લીધી. તેના શિલ્પકાર રહેલા શરદ પવારે માન્યું કે અજિત પવારનો ભાજપ સાથે હાથ મિલાવવાનું તેમના માટે એક આંચકો હતો. પવારે કહ્યું- ‘અજિત પવારે એક દિવસ મને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ બોલાવી રહ્યાં છે. કહે છે કે થોડી વાત કરવી છે. રાજકારણમાં સંવાદ જળવાઈ રહેવો જોઈએ. એ સમજી મેં તેમને મંજૂરી આપી દીધી. પરંતુ અજિતે ફડણવીસને કહ્યું કે જો આજે જ શપથ લેવા તૈયાર હો તો હું બધુ કરી શકું છે. અજિત આવું પગલું ભરશે તેનું મેં વિચાર્યું નહોતું.’ પવારે કહ્યું- સવાર-સવારમાં શપથગ્રહણ જોઈ મને આંચકો લાગ્યો હતો. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કેટલી ઝડપથી કામ કરે છે એ પણ જોયું.

પવારે કહ્યું- સોનિયા ગાંધી શિવસેના સાથે જવા તૈયાર નહોતાં. શિવસેના ભાજપ સાથે નહીં જાય તે જાણતા જ મેં સોનિયા સાથે વાત કરી. મેં તેમને યાદ અપાવ્યું કે ઇન્દિરા ગાંધી જ્યારે કટોકટી લાદી હતી ત્યારે બાળ ઠાકરેએ તેમને સમર્થન આપ્યું હતું. ચૂંટણીમાં તેમને કોંગ્રેસ વિરુદ્ધ એક પણ ઉમેદવાર ઉતાર્યો નહોતો. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ એનડીએમાં હોવા છતાં તેમણે પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું હતું. થાણે મહાનગરપાલિકામાં પણ બાળ ઠાકરેએ કોંગ્રેસની મદદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.