શિવસેનાના સાંસદ સંજય જાધવનું રાજીનામું, પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોકલી આપ્યું

 સંજય જાધવે પક્ષ પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સંસદ સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલી આપ્યો હતો. તેણે લખ્યું હતું કે હું મારા મતદાર વિભાગમાં શિવસેનાના કાર્યકરોને ન્યાય આપવામાં સક્ષમ પુરવાર થયો નથી માટે સંસદ સભ્યપદેથી રાજીનામું આપું છું.

મૂળ તો એનસીપી સાથેના મતભેદોને કારણે જાધવે રાજીનામું આપ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું છે,‘મારા મતદાર વિભાગના શિવસેનાના કાર્યકરોને હું ન્યાય અપાવી શકતો નથી એટલે મને સાંસદ તરીકે ચાલુ રહેવાનો કોઇ અધિકાર નથી માટે હું સંસદ સભ્યપદેથી રાજીનામું આપું છું. છેલ્લા આઠ દસ મહિનાથી પરભણીના જિંતુર એપીએમસીના વહીવટકર્તા નીમવાના પ્રયાસો હું કરતો હતો. પરંતુ હવે એનસીપીની એક બિનસરકારી વ્યક્તિને આ જવાબદારી સોંપી દેવામાં આવી છે…’

આ પત્રનો સ્પષ્ટ અર્થ એવો છે કે જિંતુર એપીએમસીના વહીવટકર્તા તરીકે એનસીપીની વ્યક્તિ ગોઠવાઇ ગઇ તેથી જાધવ નારાજ થયા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષી સરકાર છે. શિવસેના અને એનસીપી વચ્ચે સરકારી નિમણૂંકો અંગે પ્રવર્તી રહેલા મતભેદોની વાત અગાઉ પણ જાહેર થઇ હતી. અત્યાર અગાઉ મુંબઇ પોલીસના અધિકારીઓની નિમણૂંકના મુદ્દે પણ આ બંને પક્ષો વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા.

આ મુદ્દે એનસીપીના વડા શરદ પવાર છઠ્ઠી જુલાઇએ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. એ સમયે એવા અહેવાલો વહેતા થયા હતા કે મુંબઇ પોલીસના અધિકારીઓની વરણીના મુદ્દે શિવસેના અને એનસીપી વચ્ચે મતભેદો હતા.

હકીકતમાં ગૃહ મંત્ર્યાલય જેવો મહત્ત્વનો હોદ્દો શરદ પવારે પોતાના પક્ષને માટે માગી લીધો હતો એટલે ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઇ પોલીસની વરણી પોતાની રીતે કરી હતી જેને લઇને શિવસેનાના સભ્યો નારાજ થયા હતા. શિવસેનાનો આગ્રહ એવો હતો કે મુંબઇ પોલીસના કોઇ પણ અધિકારીની બદલી થાય એની જાણ શિવસેનાને હોવી જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.