મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે કસાકસી ચાલુ છે. ગુરૂવારે શિવસેના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં એકનાથ શિંદેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.આ પહેલા બુધવારે ભાજપના ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને તેમના નેતા તરીકે ચૂંટ્યા હતા.
મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર બનાવવા માટે ભાજપ આ વખતે શિવસેનાને ડેપ્યુટી સીએમ અને 13 મંત્રી પદ આપવા માટે તૈયાર છે પરંતુ ગૃહ, રાજસ્વ, નાણા અને નગરીય વિકાસ જેવા વિભાગ શિવસેનાને આપવા માટે તૈયાર નથી. શિવસેનાની નજર આ વિભાગો પર છે. ગત સરકારમાં શિવસેનાને 6 કેબિનેટ અને 7 રાજ્યમંત્રી પદ આપવામાં આવ્યા હતા. પાર્ટી સૂત્રો પ્રમાણે ભાજપને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઇ સમસ્યા નથી પરંતુ ગૃહ મંત્રાલયનું પદ આપવા તૈયાર નથી.
‘ભાજપને રાજધર્મનું પાલન કરવું જોઇએ’
શિવસેનાના ધારાસભ્યોની બેઠક પહેલા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, ‘‘ગઠબંધન આજે પણ છે તે હું પણ માનું છું. પરંતુ આપણને તેના રાજધર્મનું પાલન કરવું જોઇએ. સત્તાની સ્થાપના માટે 50-50નો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પદ સાથે અન્ય મહત્વપૂર્ણ પદોની પણ સમાન રૂપે વહેચણી થવી જોઇએ. જો ભાજપ પાસે બહુમત છે તો તેને સત્તાનો દાવો કરવો જોઇએ.’’
રાઉતે આગળ કહ્યું, ‘‘જો ભાજપના મોટા નેતા કહી રહ્યા હોય કે અમારી પાસે વિકલ્પ ખુલા છે તો શિવસેના કોઇ બચ્ચા પાર્ટી નથી. અમે 50 વર્ષથી જૂની પાર્ટી છીએ. વિકલ્પ દરેક પાસે ખુલા છે. ’’ ભાજપના નેતા સુધીર મુનગંટીવાર દ્વારા શિવસેના માટે વિનાશકાળે વિપરિત બુદ્ધિ જેવા શબ્દોના ઉપયોગ પર રાઉતે કહ્યું કે તેઓ પોતાના વિશે આવું કહી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.