ગુજરાત સરકારે શાળાકીય શિક્ષણમાં એક મહત્વનો નિર્ણય કરતા રાજ્યની તમામ સ્કૂલોમાં હવે નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ થશે. દર વર્ષે ઉનાળુ વેકેશન બાદ જુનમાં જે સ્કૂલો શરૂ થતી હતી તેના બદલે હવે એપ્રિલથી સ્કૂલો શરૂ થશે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સરકારના શિક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલી સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકની 55 હજારથી વધુ સ્કૂલોમાં ભણતા 1.10 કરોડથી વધુ બાળકોને તેમજ તેમના વાલીઓને સીધી અસર થશે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 અને ત્યાર પછી વર્ષો માટે એપ્રિલથી કરવા શિક્ષણ વિભાગે ઠરાવ કરીને નિર્ણય કર્યો છે. જેના કારણે માર્ચના અંતે પરીક્ષા પુરી થયા પછી શૈક્ષણિક કાર્ય થતું નહોતું તે હવે પછી થવા લાગશે. સરકારે સીબીએસઈ સ્કૂલની પેટર્ન પ્રમાણે શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની પદ્વતિ અપનાવી છે.
રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પણ 13 દિવસ સુધી સ્કૂલ આવવું પડશે. શૈક્ષણિક વર્ષ 2020-21ના સંભવિત આયોજન પર નજર કરીએ તો 20 એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે જે 3 મે એટલે સુધી સ્કૂલ ચાલું રહેશે. ત્યારબાદ 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન મળશે. જે 7 જૂન સુધી રહેશે. આમ વિદ્યાર્થીઓને ઉનાળાનું 35 દિવસનું વેકેશન મળશે. 8 જૂનથી પ્રથમ સત્રનો પુન: પ્રારંભ થશે. જે સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રથમ સત્ર 174 દિવસનું હશે જેમાંથી જાહેર રજા, રવિવાર, વેકેશન મળી કુલ 61 રજાઓ હોવાથી 113 દિવસો સ્કૂલ ચાલુ રહેશે. 1 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.