રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકા ખાતે યોજાયેલા મેગા મેડિકલ કેમ્પના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું છે કે, આયુષ્યમાન ભારત યોજના દેશના ગરીબ અને મધ્યમવર્ગ માટે આશિર્વાદરુપ નીવડી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, પહેલા ગરીબ દર્દી જ્યારે સારવાર માટે જતો ત્યારે મોંઘી સારવારના કારણે તે સારવાર લેવાનું ટાળતો હતો, પણ હવે કેન્દ્ર સરકારની ‘આયુષ્યમાન ભારત’ અને રાજ્ય સરકારની ‘મા-અમૃતમ કાર્ડ’ જેવી યોજનાઓના કારણે હવે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ પણ દેવાદાર બની જવાની ચિંતા વિના સારવાર કરાવી શકે છે.
અમદાવાદ જિલ્લાના ધોળકામાં યોજાયેલા પાંચમા મૅગા મૅડિકલ કેમ્પમાં ઉપસ્થિત શ્રોતાઓને સંબોધતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આપણા સમાજમાં પોષિત અને કુપોષિત વચ્ચેની ખાઈ ન સર્જાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે કહ્યું કે, આપણી બહેન-દીકરીઓમાં કુપોષણ એ ચિંતાનો વિષય છે અને તેથી જ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુપોષણ સામે ઝુંબેશ શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની જવાબદારી આપણા શીરે છે.
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આપણી બહેનો હિમોગ્લોબીનના અભાવના કારણે ભાગ્યે જ રક્તદાન કરી શકે છે, ત્યારે બહેનોમાં કુપોષણ દુર કરવાની તાતી જરુરિયાત છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અવસરે રાજ્ય સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને કારણે કેવી રીતે ગરીબ બાળકોના રોગના નિદાન અને ઈલાજ થયા તેના સંખ્યાબંધ ઉદાહરણો આપ્યા હતા. શિક્ષણમંત્રીએ આ સેવા યજ્ઞમાં ભાગ લેનાર સૌ તબીબો અને દાતાઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.