રાજ્યમાં યુવાનો અને બેરોજગારોના પ્રશ્નોને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી રાજ્યના રાજકારણનું કેન્દ્ર બિંદુ બનવા જઈ રહ્યા છે. જો શક્તિદળની વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષે 2003માં શંકરસિંહ વાઘેલાના આ શક્તિદળ સાથે રાજ્યના અનેક યુવાનો જોડાયા હતા, પરંતુ સમય જતાં શક્તિદળનું વિસર્જન થયું અને શંકરસિંહે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. હવે શંકરસિંહ ફરીથી એનસીપી સાથે ગુજરાતની રાજનીતિના કિંગમેકર બનવા શક્તિદળને ફરીથી જીવંત કરી રહ્યા છે. જેના ભાગરૂપે રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શક્તિદળના યુવાનો સાથે સંવાદ કરતા શંકરસિંહે રાજ્યમાં વ્યાપેલી બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે લડાઈ લડવા યુવાનોને આહવાન કર્યું હતું.
શક્તિદળને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર સામે અનેક મુદ્દાઓ મામલે લડાઈ લડવાની છે. તમે અહીંયા કંઈ આપવા આવ્યા છો, લેવા નહીં. આજે શાસન સામે બોલવા કોઈ તૈયાર નથી. જે બોલવા તૈયાર થાય છે તેને ચૂપ કરવી દેવામાં આવે છે. શિક્ષિત યુવાઓના ભવિષ્ય સામે સરકારે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. 12 લાખ યુવાનો પરીક્ષાની તૈયારી કરતા હતા, પરંતુ સરકારે અચાનક પરીક્ષા જ રદ કરી દીધી. ગુજરાતમાં 40 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો છે. બેરોજગારી વધી છે. મતલબ સરકારમાં કંઈક ગરબડ છે. આજે સ્વાર્થ માટે લોકો જાહેર જીવનમાં આવે છે.”
શંકરસિંહ વાઘેલાનું શક્તિદળ નવા જોમ અને જુસ્સા સાથે મેદાને ઉતરવાનું છે. 10 રૂપિયાના રજીસ્ટેશન ફી સાથે અમદાવાદ ખાતે 10, 164 યુવાનો શક્તિદળમાં જોડાયા છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય ત્રણ મહાનગર સુરત, રાજકોટ અને વડોદરામાં પણ આ પ્રકારે કાર્યક્રમો કરી યુવાનોને શક્તિદળમાં જોડવામાં આવશે. 40 વર્ષેથી નીચી વયના યુવા-યુવતીઓને શક્તિદળના સૈનિક બનશે. આ લોકોને નિવૃત્ત સૈનિકો દ્વારા શારીરિક, માનસિક અને બૌદ્ધિક તાલિમ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.