શ્રમિકો માટે 12 કલાકની શિફ્ટના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

શ્રમિકોના કામના કલાકો અંગે ગુજરાત સરકારે આપેલા આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી નાંખ્યો છે.

ગુજરાત સરકારે આ આદેશમાં કહ્યુ હતુ કે, કામદારોએ નિયત શિફ્ટ પછી ત્રણ કલાક વધારે કામ કરવુ પડશે અને આ માટે તેમને ઓવરટાઈમના પૈસા આપવામાં નહીં આવે. જોકે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.જેની સુનાવણી બાદ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન મજૂરોને ગંભીર આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો છે.તેમને નોકરીથી પણ હાથ ધોવાનો વારો આવ્યો છે.આ સંજોગોમાં કાયદાનો ઉપયોગ જીવન જીવવાના અધિકાર સામે અને મજબૂર બની ચુકેલા મજૂરો સામે કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 17 એપ્રિલે આદેશ આપ્યો હતો કે, ઉદ્યોગોને લોકડાઉનના કાર્યકાળમાં ફેકટરી અધિનિયમ હેઠળ કેટલીક છુટાછાટો આપવામાં આવી છે.જે પ્રમાણે મજૂરો 6 કલાકના કામ બાદ અડધો કલાકનો બ્રેક લઈને બીજા 6 કલાક એમ કુલ 12 કલાકની શિફ્ટમાં કામ કરશે.જોકે વધારાના કામના કલાકો માટે તેમને સામાન્ય રીતે જે રકમ મળે છે તે જ મળશે.

કોર્ટે કહ્યુ હતુ કે, સરકાર ઉદ્યોગોને આ પ્રકારનુ કામ કરાવવા માટે કલમ પાંચ હેઠળ છુટ આપી શકે નહીં કારણકે રોગચાળો એ કોઈ સાર્વજનિક ઈમરજન્સી નથી.સાથે સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે 20 એપ્રિલથી 19 જુલાઈ દરમિયાન જે પણ મજૂરોએ બાર કલાક કામ કર્યુ હોય તેમને ઓવરટાઈમ માટેની મજૂરી ચુકવવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.