શ્રાવણમાં સુરતની કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરતાં ખળભળાટ..

સુરતના હીરા ઉદ્યાગના ઇતિહાસમાં પ્રથમવાર કારીગરોને લાંબી રજા જાહેર કરાઈ છે. શ્રાવણ મહિનામાં કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. કિરણ જેમ્સ નામની કંપનીએ શ્રાવણ મહિનામાં પહેલીવાર આટલી લાંબી રજા જાહેર કરી છે. આ દસ દિવસ કંપનીમાં કોઈ કામ નહિ થાય. ત્યારે આ રજા પાછળ હીરા ઉદ્યોગમાં આવેલી મંદી કારણભૂત હોવાનું કહેવાય છે.

ગુજરાતની ડાયમંડ ફર્મ કિરણ જેમ્સે સોમવારે તેના 50,000 કર્મચારીઓને 10 દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. આ રજાઓ એટલા માટે કરવામાં આવી છે કે જેથી હીરાના ઉત્પાદનને નિયંત્રિત કરી શકાય. વાસ્તવમાં વૈશ્વિક માંગમાં ઘટાડાને કારણે દેશમાં હીરાના વેપારીઓનો સ્ટોક વધ્યો છે. કિરણ જેમ્સ વિશ્વની સૌથી મોટી કુદરતી હીરા ઉત્પાદક કંપની છે. તે પોલિશ્ડ હીરાના સૌથી મોટા નિકાસકારોમાંની એક છે. તેણે તેના કર્મચારીઓ માટે 18-27 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરી છે.

2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયન મૂળના હીરા પર યુએસ પ્રતિબંધો અને G-7 દેશો દ્વારા તેમના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત પછી હીરા ઉત્પાદકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, “હાલમાં હીરા ઉદ્યોગ મંદીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે સમગ્ર વિશ્વમાં પોલિશ્ડ હીરાની કોઈ માંગ નથી. અમે હીરાના ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે 10 દિવસની રજા જાહેર કરી છે. કંપનીના ઈતિહાસમાં પ્રથમ વખત આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે વિશ્વભરમાં પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડો થયો છે અને હીરા ઉત્પાદકો માટે તેમનો વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની ગયો છે. જો પુરવઠા પર અંકુશ રહેશે તો માંગ વધશે અને તેનાથી ઉદ્યોગને ફાયદો થશે.

હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ છે. મોટી કંપનીઓ રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન કાપ નહીં મૂકે તો સુરત હીરા ઉદ્યોગની સ્થિતિ નહિ સુધરે. ત્યારે આ મંદીને જોતા સુરતની જાણીતી કિરણ જેમ્સ તા.18/8/2024 થી 27/8/2024 સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ કારણે હીરા ઉદ્યોગના ઈતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાઈ છે.

હીરાના કારખાનાઓમાં સામાન્ય રીતે દિવાળી દરમિયાન લાંબી રજાઓ હોય છે. કિરણ જેમ્સ, રૂ. 17,000 કરોડના વાર્ષિક ટર્નઓવર સાથે, વિશ્વની અગ્રણી હીરા કંપનીઓમાંની એક ડી બીયર્સના સાઇટ ધારકો (રફ હીરાના અધિકૃત ખરીદદારો) પૈકીના એક છે.

ડી બિયર્સે અગાઉ જૂનમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં રફ ડાયમંડના ઉત્પાદનમાં પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં 15 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. આનું એક કારણ “સામાન્ય કરતાં વધુ” ઇન્વેન્ટરી તરીકે દર્શાવવામાં આવ્યું હતું.

હીરા બજારમાં હજુ પણ મંદીની સ્થિતિ યથાવત રહે તેવું લાગી રહ્યુ છે. તો બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, રત્નકલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સરકાર લાગુ કરે. રત્નકલાકારોને મંદીમાં સામનો કરવાનો એકજ વિકલ્પ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.