રાજસ્થાનના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે સોમવારે જયપુરના શિપ્રા પથ પોલીસ મથકમાં ભારતીય સેનાના એક કાર્યરત સૈનિકે કથિત રીતે નગ્ન કરીને મારવાના મામલે પોલીસ અધિકારીઓને ફટકાર લગાવી. જાણો વિગતો….
રાજસ્થાનના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે સોમવારે જયપુરના શિપ્રા પથ પોલીસ મથકમાં ભારતીય સેનાના એક કાર્યરત સૈનિકે કથિત રીતે નગ્ન કરીને મારવાના મામલે પોલીસ અધિકારીઓને ફટકાર લગાવી. મામલો સામે આવ્યા બાદ એક પોલીસ ઉપનિરીક્ષક અને ત્રણ કોન્સ્ટેબલને પોલીસ મથકથી હટાવીને પોલીસ લાઈનમાં મોકલી દેવાયા અને તપાસના આદેશ અપાયા છે. સૈનિક કલ્યાણ મંત્રી રાઠોડ પણ સેનામાં સેવા આપી ચૂક્યા છે. તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે આપત્તિ જતાવી અને ત્યાં હાજર પોલીસ અધિકારીઓને બરાબર આડે હાથ લીધા.
શું પોલીસ આર્મી જવાનની ધરપકડ કરી શકે?
પોલીસનું કામ લોકોને સુરક્ષિત રાખવાનું છે પરંતુ અનેકવાર પોલીસ અધિકારીઓ જ કાનૂનનો ભંગ કરતા જોવા મળ્યા છે. જયપુરની ઘટના બાદ હવે એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પોલીસ પાસે સેનાના જવાનની ધરપકડ કરવાનો અધિકાર હોય છે? તો તેનો જવાબ છે હા અને ના…બંને. તેના માટે અલગ અલગ નિયમો છે. હકીકતમાં આર્મી અને પોલીસ બંને અલગ અલગ સરકારી વિભાગ છે અને તેમના પોત પોતાના કાર્યક્ષેત્ર અને જવાબદારી હોય છે. પોલીસ અને આર્મી બંને પાસે પોતાની કાનૂની પ્રક્રિયા હોય છે અને તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ધરપકડના વિશેષ નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરે છે.
પોલીસ ક્યારે કરી શકે ધરપકડ?
SSB Crack Exams ના રિપોર્ટ મુજબ આર્મી એક્ટ 1950ની સેક્શન 70 અને એરફોર્સ એક્ટની સેક્શન 72માં તેનો ઉલ્લેખ કરાયો છે. નિયમ મુજબ આર્મી પર્સનલની ફક્ત અને ફક્ત મોટા ગુનાઓ જેમ કે મર્ડર, રેપ કે કિડનેપિંગના કેસોમાં ધરપકડ થઈ શકે છે. જઘન્ય અપરાધો સ્વાય કોઈ અન્ય કેસમાં ધરપકડ કરવા માટે પોલીસે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી લેવી પડે છે. આ સાથે જ આર્મીના જવાનને હથકડી પહેરાવવાની પણ મંજૂરી હોતી નથી.
નિયમ મુજબ કોઈ પણ આર્મી ઓફિસરને ધરપકડ બાદ 2 કલાકથી વધુ સમય માટે પોલીસ પોલીસ સ્ટેશનમાં રાખી શકે નહીં. ત્યારબાદ તેમણે નજીકના મિલેટ્રી હેડક્વાર્ટરને જણાવવું પડશે અને સેનાના અધિકારીઓ પાસે આગળની કાર્યવાહી માટે મંજૂરી લેવી પડશે. આ મંજૂરી મેજર જનરલ કે તેની ઉપરના રેંકવાળા સ્ટેશન કમાન્ડર દ્વારા અપાશે. જો મંજૂરી આપવામાં ન આવે તો જવાનને મિલેટ્રી પોલીસને સોંપવાનો રહેશે. આ સિવાય પોલીસ ફક્ત સિવિલ મામલાઓમાં જ સેનાના જવાનની પૂછપરછ કરી શકે. જો ગુનામાં સામેલ બંને પક્ષ સેનામાં સામેલ હોય તો આ મામલો મિલેટ્રી કોર્ટમાં જશે.
પોલીસ જવાનને નગ્ન કરી માર્યો
રિપોર્ટ મુજબ જયપુરના શિપ્રા પથ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક હુક્કાબાર પર દરોડા પાડીને કેટલાક લોકોને પકડ્યા હતા. જેમાં એક આર્મી જવાન પણ સામેલ હતો. જવાનના પકડાયા અંગેની જાણકારી લેવા માટે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં તૈનાત અન્ય જવાન અરવિંદ સિંહ જ્યારે શિપ્રાપથ પોલીસ સ્ટેશન પહોંચ્યા તો તેમની મારપીટ કરાઈ. આ મામલે જાણકારી મળતા જ સૈનિક કલ્યાણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પોલીસ મથક પહોંચ્યા અને એસીપીને ખુબ ફટકાર લગાવી.
રાજ્યવર્ધન સિંહ રાઠોડે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે એક સેવારત સૈનિકને કેટલાક પોલીસકર્મીઓએ નિર્વસ્ત્ર કરી દીધો અને ડંડાથી માર્યો અને પછી તેને લોકો વચ્ચે બેસાડી દીધો પછી કેટલાક પોલીસકર્મીઓએ તેને એ દોહરાવવાનું કહ્યું કે પોલીસ ભારતીય સેનાનો ‘બાપ’ છે. તેમણે કહ્યું કે આ ખુબ જ દુખની વાત છે અને આ એવા બે-ત્રણ લોકોની ખરાબ માનસિકતા દર્શાવે છે જેમણે આવું કર્યું. મંત્રીએ કહ્યું કે સૈનિકને ખરાબ રીતે મારવામાં આવ્યો અને આ સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં લખ્યું છે કે લોકોએ તેની સાથે મારપીટ કરી. ભારતીય સેનાના એક જવાનને પાંચ પોલીસકર્મીઓએ પકડીને માર્યો છે. તે પણ કોઈ કાયદા કે કારણ વગર. આથી પોલીસ વિભાગમાં કાયદો તોડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.