શુક્રવારથી શરૂ થશે દીપાવલી મહોત્સવ, આ સમયે પૂજા કરવાથી મળશે સુખ સમૃદ્ધિ

હિંદુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દીપાવલી મહોત્સવની શુક્રવારથી શરૂઆત થઈ રહી છે. શુક્રવારે વાક બારસની સાથે સાથે ઘરમાં સમૃદ્ધિ મેળવવા માટે માતા શ્રીલક્ષ્મીની ઉપાસનાનો પણ શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી શ્રીલક્ષ્મી યંત્રની ઉપાસનાની સાથે સોના-ચાંદીની ખરીદી અને ચોપડા પૂજન માટે પમ શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવી રહ્યું છે.

આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનો પર્વ એટલે દિવાળી. અંધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્ય તેમજ આસુરી શક્તિમાંથી દૈવી શક્તિ તરફ લઇ જતા આ પર્વનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. માનવીની અંદર રહેલાં દુર્ગુણો ઉપર સદગુણોના વિજયના પ્રતીકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દીવેટ બનાવી મૂકેલા દીવામાં તેલ ભરી પ્રગટાવવામાં આવે છે અને ઘરની આજુબાજુ પ્રકાશ પાથરવામાં આવે છે. દિવાળીના પાંચ દિવસના ઉત્સવ નાના ચંદ્રના ઉદયની સાથે આવે છે. સામાન્ય રીતે જ્યારે પુષ્યનક્ષત્રની શરૂઆત થાય છે. ત્યારથી જ દિવાળીના મહોત્સવની પણ શરૂઆત થઈ જાય છે. બજારોમાં ખરીદી પણ નીકળી આવે છે. આગામી શુક્રવારથી વાક બારસની સાથે સાથે જ આ તહેવારની શરૂઆત થશે. આ વર્ષે મોટા ભાગની બે તિથિ એક દિવસમાં આવતી હોવાથી મુહૂર્તો પણ બદલાયાં છે. શુક્રવારે સવારે વાક બારસ છે અને સાંજે સાત વાગ્યા બાદ ધન તેરસની શરૂઆત થઇ રહી છે. ધન તેરસના દિવસે એટલે કે શુક્રવારે રાત્રિના 9.21 વાગ્યાથી રાત્રિના 10.56 વાગ્યા સુધી વર્ષનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન સોના-ચાંદીની ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે. આ સમયે ચોપડા પૂજન કરવાથી પણ વર્ષ દરમિયાન ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આમ તો આખો દિવસ દરમિયાન શ્રેષ્ઠ મુહૂર્તો છે. પરંતુ શુક્રવારે રાત્રિના દોઢ કલાકના સમય દરમિયાન સોના-ચાંદીની ખરીદી તેમજ ચોપડા પૂજન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.