-કોરોના વાઇરસ વચ્ચે મળેલી સાર્કના વિદેશ પ્રધાનોની બેઠક
કોરોના વાઇરસના ચેપ વચ્ચે ગુરૂવારે સાર્કના વિદેશ પ્રધાનોની એક બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો સહભાગી થયા હતા.
ભારતના વિદેશ પ્રધાન ડૉક્ટર એસ જયશંકરે આ બેઠક પૂરી થયા બાદ કરેલી ટ્વીટમાં જણાવ્યું હતું કે આજે સાર્કના વિદેશ પ્રધાનોની બેઠકને સંબોધવાની તક સાંપડી હતી. તેમણે કહ્યું કે પાડોશી તરીકે ભારતની સૌથી પહેલી પ્રતિબદ્ધતા દક્ષિણ એશિયાને સંગઠિત,હકારયુક્ત, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની હતી.
તેમણે કહ્યું કે ભારતે દરેક પાડોશીને મુશ્કેલીના સમયમાં મદદ કરી હતી. સાર્ક પાડોશીઓને જરૂર પડ્યે સહાય. કરવાની ભારતની નીતિ રહી હતી. ભારતે માલદીવને 150 મિલિયન અમેરિકી ડૉલર્સ, ભૂતાનને 200 મિલિયન અમેરિકી ડૉલર્સ અને શ્રી લંકાને ચાલુ વર્ષમાં 400 મિલિયન અમેરિકી ડૉલર્સની મદદ કરી હતી.
સાર્કના વિદેશ પ્રધાનોની આ બેઠકમાં જયશંકરે પાકિસ્તાનની પરોક્ષ રીતે ટીકા કરી. તેમણે કહ્યું કે સીમા પારના આતંકવાદને નષ્ટ કરવો અને સંપર્કના માર્ગમાં રહેલા અવરોધો દૂર કરવા અને પરસ્પર વ્યાપાર-વ્યવહારનું સંકલન કરવું એ ત્રણ સાર્ક સમક્ષના સૌથી મોટા પડકારો હતા. આ પડકારો સિદ્ધ કરવા સાર્કના તમામ દેશોએ સંગઠિત રીતે પગલાં લેવાં પડશે. આ ત્રણ પડકારોને પહોંચી વળીએ ત્યારેજ સાઉથ એશિયામાં કાયમી શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષિતતા સ્થપાશે.
આ વખતની સાર્કના વિદેશ પ્રધાનોની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ ખાતાએ ગયા વખતની જેમ બેઠકોની પાછળ કોઇ નકશો લગાડ્યો નહોતો. છેલ્લી બેઠકમાં પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારો પોતાના હોય એવું દેખાડતો બનાવટી નકશો બેકગ્રાઉન્ડમાં લગાડ્યો હતો.
એ નકશા સામે સખત વલણ લઇને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના અજિત ડોભાલ વૉક આઉટ કરી ગયા હતા. અત્રે એ યાદ રહે કે પાકિસ્તાનના વિદેશ ખાતાએ જે નકશો લગાડ્યો હતો એને તાજેતરમાં પાકિસ્તાની સંસદે બહાલી આપી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.