મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ કમલનાથ સરકાર સંકટમાં મૂકાઈ છે. બીજી બાજુ એવું જાણવા મળી રહ્યું છે કે સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે અને તેમને રાજ્યસભાની ટિકિટ ઑફર થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપણીએ પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, કૉંગ્રેસ પાર્ટી અંદરોઅંદરના અસંતોષને કારણે હોમાઈ ગઈ છે. સિંધિયાએ જે પણ નિર્ણય કર્યો છે તે યોગ્ય છે.
કોંગ્રેસ પર ગુજરાતના CM વિજય રૂપાણીનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસને ગણતાં જ નથી. કોંગ્રેસમાં જ અંદરોઅંદર વિખવાદ છે. જેના કારણે હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન માટે માગ ઉઠી છે. મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસ વિખેરાઈ ગઈ છે. મધ્ય પ્રદેશમાં જે થયું છે તે એક દિવસ થવાનું જ હતું. દેશમાં કૉંગ્રેસ પાર્ટી નેતાગીરી વિહોણી છે. કોંગ્રેસમાં વંશ પરંપરાગત જે વ્યવસ્થા છે તેને કારણે દરેક રાજ્યમાં કાર્યકરોમાં વ્યાપક અસંતોષ છે. હું માનું છું કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખૂબ જ યોગ્ય નિર્ણય કર્યો છે. આ નિવેદન બાદ રાજકીય ભૂકંપ જેવો માહોલ સર્જાયો હતો. સીએમના નિવેદન બાદ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે પોતાના નિવેદન આપ્યા હતા.
CM રૂપાણીના નિવેદનથી કોંગ્રેસના ધારાસભ્યો લાલઘુમ જણાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, CM રૂપાણીએ કહ્યું અમે કોંગ્રેસને ગણતાં જ નથી, આ વાત એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને શોભા આપતી નથી. અમને ખબર છે કે યસબેન્કના રૂપિયાથી કેવી રીતે ધારાસભ્યો તોડીફોડીને પક્ષમાં સમાવવામાં આવી રહ્યા છે. સીએમ રૂપાણી સિંધિયાની વાત કરે છે તો અમે તેમને જણાવીએ કે, સિંધિયાને પાર્ટીએ ઘણું આપ્યું છે. તમે કહો છો કે, ગુજરાતમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, તો અમે સ્પષ્ટ જણાવીએ કે, ગુજરાતના કોઈ ધારાસભ્ય એમની સાથે જવાના નથી. સંપર્કમાં હોય તો નામ આપો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.