ફેસબુક પર હેટ સ્પીચ મામલે કોંગ્રેસ સતત કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરી રહી છે. રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ફેસબુક પોસ્ટમાં ભાજપના નેતાઓ ખોટી જાણકારી અને નફરત ફેલાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે તેમ લખ્યું હતું. કોંગ્રેસી નેતાએ લગાવેલા આરોપ પ્રમાણે ભાજપે ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ કરી જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ જળવાઈ રહે.
પ્રિયંકા ગાંધીએ ભાજપના નેતાની ઉશ્કેરણીજનક પોસ્ટ વિરૂદ્ધ ફેસબુક દ્વારા કોઈ એક્શન ન લેવામાં આવી તેનો એક રિપોર્ટ શેર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતની મોટા ભાગની મીડિયા ચેનલ બાદ હવે સોશિયલ મીડિયાનો વારો છે. ભારતીય જનતા પાર્ટી નફરત અને દુષ્પ્રચાર ફેલાવવા માટે તમામ પ્રકારના રસ્તા અપનાવતી હતી અને હાલ પણ એવું જ કરી રહી છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, ‘ફેસબુક જે સામાન્ય જનમાનસની અભિવ્યક્તિ માટેનું એક સરળ માધ્યમ છે તેનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ભ્રામક જાણકારીઓ, નફરત ફેલાવવા માટે કર્યો. એટલું જ નહીં ફેસબુક કોઈ કાર્યવાહી ન કરી શકે તે માટે ભાજપે ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ કરી જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ જળવાઈ રહે.’
શશિ થરૂરે પણ કરી ટ્વિટ
આ સમગ્ર વિવાદ મામલે કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે પણ ટ્વિટ કરી છે. આઈટી મામલે સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શશિ થરૂરે જણાવ્યું કે, આઈટીની સંસદીય સ્થાયી સમિતિ નિશ્ચિત રૂપથી ફેસબુક પાસેથી આ રિપોર્ટો અંગે અને ભારતમાં હેટ સ્પીચ અંગે તે શું પ્રસ્તાવ રાખે છે તે સાંભળવા ઈચ્છે છે.
શું છે સમગ્ર કેસ
આ વિવાદની શરૂઆત વોલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટથી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભાજપના નેતા ટી.રાજાએ પોતાની ફેસબુક પોસ્ટમાં રોહિંગ્યા મુસ્લિમોને ગોળી મારી દેવી જોઈએ તેમ કહ્યું હતું. મુસ્લિમોને દેશદ્રોહી ગણાવ્યા હતા અને મસ્જિદ પાડવાની ધમકી પણ આપી હતી. ફેસબુકની એક કર્મચારીએ તેનો વિરોધ કરીને તેને કંપનીના નિયમોની વિરૂદ્ધ ગણાવ્યું હતું. જો કે કંપનીએ આ મુદ્દે કોઈ એક્શન નહોતી લીધી.
પ્રિયંકા ગાંધીની પહેલા રાહુલ ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ભાજપ અને આરએસએસનો ભારતમાં ફેસબુક અને વ્હોટ્સએપ પર કબજો છે તેવો આરોપ મુક્યો હતો. સાથે જ તેના માધ્યમથી ફેક ન્યૂઝ અને નફરત ફેલાવવાનું કામ થાય છે તથા મતદાતાઓને પ્રભાવિત કરવા તેનો ઉપયોગ થાય છે એવો દાવો કર્યો હતો.
ફેસબુકે આપી સફાઈ
પોતાના પર લાગી રહેલા આરોપો બાદ ફેસબુકે સ્પષ્ટતા જાહેર કરી હતી. ફેસબુકે જણાવ્યું કે, અમે હેટ સ્પીચ અને હિંસા ભડકાવે તેવા કન્ટેન્ટ પર પ્રતિબંધ મુકીએ છીએ. અમે વૈશ્વિક સ્તરે આ નીતિ લાગુ કરીએ છીએ. અમે કોઈની રાજકીય સ્થિતિ કે નેતા કઈ પાર્ટી સાથે સંબંધ રાખી રહ્યો છે તે નથી જોતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.