સોનાની આયાત નિયંત્રિત કરવા માટે સતત ભરવામાં આવતા પગલાં છતાં સોનાની આયાતમાં વધારો ચાલુ રહ્યો છે. જે બાબત કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય બની છે. ઉપરાંત સોના સહિતની કીમતી ધાતુની આયાતમાં ગેરરીતિના કિસ્સાઓ ધ્યાને આવી રહ્યા છે. કેટલાક વેપારીઓ દ્વારા સોનાની આયાતની આડમાં ખોટા લાભ મેળવવામાં આવી રહ્યાંનું ધ્યાને આવ્યું છે. એફટીએ હેઠળ ઘણાં દેશમાથી થતી સસ્તી આયાતનો લાભ ઉઠાવી સ્થાનિક તંત્ર- વેપારને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું જણાયું હતું. દરમિયાન કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ( ડીજીએફટી) દ્વારા ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ની અસરથી પાછલા નોટિફિકેશન ૩૬/૨૦૧૫-૨૦૨૦માં સુધારો કરી પ્રેસિયસ મેટલ ગોલ્ડની આયાતને ‘ફ્રી’ કેટેગરીમાંથી ‘રિસ્ટ્રિકટેડ’ કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. જે મુજબ હવે કોઈપણ પ્રકારના સોનાની આયાત માત્ર માન્ય એજન્સી કે લાઇસન્સ હેઠળ થઈ શકશે. નોટિફિકેશન મુજબ, મોનેટરી ગોલ્ડ સિવાયના કોઈપણ પ્રકારના સોનાની આયાત માન્ય એજન્સીઓ ( ડીજીએફટીનું લાઈસન્સ ધરાવનાર પેઢી) કે બેન્ક (આરબીઆઇ દ્વારા માન્ય) મારફત થઈ શકશે. પાવડર, શીટ્સ, પ્લેટ્સ, ટયૂબ્સ, સ્ટ્રીપ્સ, પાઇપ્સના ફોમમાં સોનું માન્ય એજન્સી કે બન્ક મારફત આયાત કરી શકાશે. જોકે, આ સાથે ઘણી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જે મુજબ, ગોલ્ડ- સિલ્વર ડોરેને પણ ફ્રી ટુ રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
જેની આયાત રિફાઇનર્સ કરી શકશે. પરંતુ, તે પણ એક્ચ્યુઅલ યૂઝર્સના લાઇસન્સ હેઠળ જ કરવાની રહેશે. વધુમાં ફોરેન ટ્રેડ પોલિસી ૨૦૧૫-૨૦૨૦ એડવાન્સ ઓથોરાઇઝેશન હેઠળ જે નિકાસકારો દ્વારા વિદેશથી રો-મટિરિયલ્સ મેળવી તેની નિકાસ જ કરવામાં આવે છે, તેઓને છૂટ આપવામાં આવી છે. આ પ્રકારના કરવામાં આવેલા સુધારા પાછળ સોનાની વધતી આયાત તથા એફટીએ રૂટના દુરુયોગનું કારણ હોવાની પ્રબળ માન્યતા છે. એફટીએ હેઠળ ગોલ્ડ પ્લેટ્સ, કેટલ્સ, પોટ્સની આયાત કર્યા બાદ તેને પિગાળીને ગોલ્ડ બાર બનાવી ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ કરી દેવામાં આવતું હોવાની ફરિયાદ હતી. જેન્યુઇન ઇમ્પોર્ટર્સ દ્વારા સોનાની આયાત પર ૧૨.૫ ટકા ડયૂટી ચૂકવવામાં આવતી હોય છે. બીજીતરફ આ પ્રકારના એફટીએ રૂટથી ઓછી ડયૂટીનો બેનિફિટ મેળવી લેવાતો હોવાનું જણાયું હતું. જે બાબતોને લીધે પગલાં ભરાયા હોવાનું મનાય છે. કરવામાં આવેલા આ સુધારાને ટ્રેડ, ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝેશન્સ તરફેથી આવકાર મળ્યો છે. જીજેઇપીસી સહિતના સંગઠનો દ્વારા આ નોટિફિકેશન બાદની સ્થિતિમાં વધુ કેટલીક સ્પષ્ટતા માગવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.