સાઉદી અરેબિયાની શ્રમિકોને અનેરી દિવાળી ગીફ્ટ, કફાલા સિસ્ટમ રદ કરવાની જાહેરાત કરી

સાઊદી અરેબિયાએ ભારતીય શ્રમિકોને દિવાળી ગીફ્ટ રૂપે કફાલા સિસ્ટમ રદ કરવાની જાહેરાત કરી હતી. આ પગલાથી હજારો ભારતીય શ્રમિકોને લાભ થશે.

આ નિર્ણયનો અમલ 2021ના માર્ચથી શરૂ થશે. બુધવારે સાઉદી અરેબિયાના માનવ સંસાધન અને શ્રમ ખાતાએ આ જાહેરાત કરી હતી. અત્યાર સુધી સાવ મામૂલી પગારે શ્રમિકો પોતાને નોકરી આપનાર સાથે કાયદેસર રીતે બંધાયેલા રહેતા હતા. હવે શ્રમિકો પોતાના નોકરીદાતા સાથેના કરારનો અંત લાવીને બીજે નોકરી કરવા જઇ શકશે. એને સાવ ચણા મમરા જેવા પગારે કામ કરવાની ફરજ નહીં પડે.

શ્રમ અને માનવ સંસાધન ખાતાના નાયબ પ્રધાન અબ્દુલ્લા બિન નાસિર અબુથનૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે કામ કરવાની આકર્ષક સિસ્ટમ અને કામકાજના માહોલને બહેતર બનાવવાના પગલા રૂપે આ નિર્ણય લીધો હતો. અહીં કામ કરતા એશિયાના વિવિધ દેશોના શ્રમિકોને આ નિર્ણયથી લાભ થશે. આ નિર્ણય પછી શ્રમિકો પોતાનું શોષણ કરનારા નોકરીદાતા સાથેના કરારનો અંત લાવીને નોકરી બદલી શકશે અથવા પોતાના વતનમાં સ્વેચ્છાએ પાછા જઇ શકશે.

કફાલા સિસ્ટમ સમજવા જેવી છે. બહારથી અહીં કામ કરવા આવતા શ્રમિકો પર આ સિસ્ટમ જાતજાતના પ્રતિબંધો લાદતી હતી. એકવાર અહીં આવી જાય ત્યારબાદ શોષણ સામે શ્રમિક અવાજ ઊઠાવી શકતો નહીં, વતનમાં  પાછા જવા માટે નોકરીદાતાની પરવાનગી અનિવાર્ય હતી નોકરીદાતાની પરવાનગી વિના એ નોકરી છોડી કે બદલી શકતો નહોતો. ઘણા નોકરીદાતા પોતાના કર્મચારીનો પાસપોર્ટ જ લઇ લેતા હતા એટલે કર્મચારી ક્યાંય જઇ શકે નહીં. એને સાવ નજીવા પગારે બારથી પંદર કલાક કામ કરવાની ફરજ પડતી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કર્મચારી ગુલામ થઇ જતો હતો.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સહિત અનેક માનવ અધિકારવાદી સંસ્થાઓ છેલ્લાં થોડાંક વરસોથી આ સિસ્ટમ બંધ કરવાની સતત માગણી કરતી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.