કોરોના મહામારીમાં સરકારના પ્રોટોકોલ જાળવવામાં પબ્લીક અને પોલીસ વચ્ચે સંઘર્ષની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને આખા દેશમાં પોલીસ સાથે લોકોના ઘર્ષણ થાય છે અને ઘણી વખત વાત મારામારી સુધી પહોંચી છે. પણ દિલ્હીની ઘટનાની વાત સાંભળીને તમે ચોંકી ઉઠશો. પરિવાર સાથે જઇ રહેલા એક વકીલને માસ્ક નહીં પહેર્યું હોવાને કારણે પોલીસે અટકાવ્યો તો મહાશયે પોલીસ સાથે જીભાજોડી કરી હતી, પછી આવેગમાં આવીને વકીલે ગ્રાઉન્ડ પર 5 રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું અને એટલું જ નહીં વકીલની પત્નીએ પણ પોલીસ સાથે મારામારી કરી હતી. આ માહિતી દિલ્હી પોલીસે આપી છે.
કોરાના મહામારીએ દેશમાં તરખાટ મચાવ્યો છે અને બે લહેરમાં લાખો લોકો કોરાનાથી સંક્રમિત થયા અને મોતને પણ ભેટ્યા છે અને સરકાર કોવિડ પ્રોટોકોલમાં કોરોનાની સામે સુરક્ષિત રહેવા માસ્કના ઉપયોગ પર ભાર આપે છે. આરોગ્યના નિષ્ણાતો પણ વારંવાર માસ્ક પહેરવાની વિનંતી કરે છે. પરંતુ કેટલાંક લોકો હજારો વાર સમજાવવા છતા કોવિડના નિયમો પાળતા નથી.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે 33 વર્ષની વયના એક વ્યકિત પત્ની અને કઝીન સાથે કારમાં જઇ રહ્યા હતા અને તેમણે માસ્ક નહોતા પહેર્યા એટલે તેમને રોકવામાં આવ્યા તો તેમણે 5 રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું. પોલીસે તેમની સામે FIR દાખલ કરી છે.
પોલીસે કહ્યુ હતું કે વેલફેર અધિકારી અને વ્યવસાયે વકીલ એવા આદેશ નામના વ્યકિત શનિવારે રાત્રે કફર્યુના સમય દરમ્યાન સીમાપુરી ગોલચક્કર પાસે ફરજ બજાવી રહેલાં પોલીસે અટકાવ્યા હતા અને પોલીસે માસ્ક નહીં પહેરવાનું અને મોડી રાત્રે બહાર નિકળવાનું કારણ પુછ્યું તો આદેશે પોલીસ સાથે વાદ વિવાદ શરૂ કરી દીધો હતો. વાત એટલી વણસી ગઇ કે આદેશની પોલીસ સાથે મારામારી શરૂ થઇ ગઇ હતી.
આ દરમ્યાન પોલીસનો એક અન્ય કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આરોપ લગાવ્યો હતો કે આદેશ દારૂના નશામાં હતો અને તેણે પોતાની લાયસન્સ પિસ્તોલમાંથી ગ્રાઉન્ડ પર 5 રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું અને આદેશની પત્નીએ પણ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી અને મારપીટ પણ કરી હતી.
પોલીસે આદેશ સામે FIR દાખલ કરી છે તેમજ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.