એક તરફ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓને રાજયમાં કયાંય રેમડેસિવિર( REMDESIVIR ) ઈન્જેકશન મળતા નથી, આ ઈન્જેકશનના 15,000માં કાળા બજાર થઈ રહ્યાં છે ત્યારે આવી કટોકટ સ્થિતિમાં 25,000 જેટલા રેમડેસિવિર ઈન્જેકશન લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથનું સ્પેશિયલ સરકારી વિમાન લખનૌ પહોચ્યું હતું.
રેમડેસિવિરનું ઉત્પાદન ગુજરાતમાં ઘણે ઠેકાણે થાય છે અને ગુજરાત સરકારના નાક નીચેથી યુપી સરકાર ઇંજેક્શન લઈ ગઈ હતી. કેન્દ્રએ રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
યુપી સરકારના આરોગ્ય વિભાગની એક ટીમ ખાસ વિમાન લઈને અમદાવાદ આવી હતી અને 25000 રેમડેસિવિર ઇંજેક્શન ( INJECTION ) લઈને પરત ફરી હતી. સવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સૂચનાથી આ ટીમ સરકારી વિમાન લઈને અમદાવાદ આવી હતી અને સાંજે ઇન્જેક્શનો સાથે પરત થઈ હતી. યુપીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ અગાઉ ગયા વર્ષની 9મી જૂને યોગી આદિત્યનાથે ટ્રુનેટ દવાઓ લાવવા માટે ગોવા સરકારી વિમાન મોકલ્યું હતું. 7 એપ્રિલે તબીબી ઉપકરણો લાવવા બેંગલુરુ વિમાન મોકલાયું હતું.
પૈસાદાર લોકો 10000 આપીને પણ ઇન્જેક્શનની વ્યવસ્થા કરી લે છે, પરંતુ એક ગરીબ વ્યક્તિ ઇન્જેક્શન મેળવવા માટે આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢે ? ગરીબ લોકોની આવી મજબૂરીનો ફાયદો હવે સરકારી તંત્ર પણ લઇ રહ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દી હોય કે પછી ઘરે આઇસોલેશનમાં સારવાર લેતા હોય તેવા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવું તે લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે.
સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને ઇન્જેક્શન મળતાં ન હોવાની ફરિયાદો ઊઠી છે. આ બાબતે પાલના ગૌરવપથ રોડ ઉપર રહેતા ભદ્રેશભાઇ ભગતે કહ્યું હતું કે, હું તો મારી પત્ની માટે ઇન્જેક્શન લેવા સવારે ચાર વાગ્યાથી લાઇનમાં ઊભો છે, કોઇ યોગ્ય રીતે જવાબ આપતું નથી. સવારે આઠ વાગ્યે અથવા નવ વાગ્યે ઇન્જેક્શન માટે બારી શરૂ થશે તેમ કહીને વાતને ટાળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મેનેજમેન્ટ જેવું કશું જ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.