શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં 70 ટકા મતદાન : કોરોના કી ઐસી- તૈસી

– રાજપકસા પરિવારની શ્રીલંકા પીપલ્સ પાર્ટી બે તૃતીયાંશ બહુમતીથી જીતવા આશાવાદી

 

અગાઉ બે વાર મુલતવી રહેલી શ્રીલંકાની સંસદીય ચૂંટણી આજે યોજાઈ જેમાં મોંઢે માસ્ક પહેરીને તથા હાથમાં પેન સાથે મતદાન મથકોએ ઉમટી પડેલા શ્રીલંકાવાસીઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતુ. શક્તિશાળી રાજપકસા પરિવાર દ્વારા સંચાલિત શ્રી લંકા પીપલ્સ પાર્ટી ચૂંટણી જીતે એવી અપેક્ષા છે.

શ્રી લંકાના રાષ્ટ્રીય ચૂંટણી પંચના અધ્યક્ષ મહિન્દા દેશપ્રિયાએ કહ્યું કે કોરોનાના ભય વચ્ચે યોજાયેલા ચૂંટણી ૭૦ ટકા મતદાન સાથે શાંતિપૂર્વક પૂરી થઈ છે.

દેશની જાણીતી બેઠકો પર મતદાનની ટકાવારી ઊંચી રહી હતી. એ પૈકી મુખ્ય છે અમ્પારા (૭૨.૮ ટકા),  કિલ્લિનોરિચ (૭૧.૫૨ ટકા), મન્નાર (૭૯.૪૯ ટકા), વાવુનિયા (૭૪ ટકા), મુલ્લાઈથિવું (૭૬.૨૫ ટકા), ત્રિંકોમાલિ (૭૩.૫ ટકા),  બત્તિકલોઆ (૭૬.૧૫ ટકા),  જ્યારે નુવારા એલિયા (૭૫ ટકા).

સવારે ૭ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે ૫ વાગ્યે પુરુ થતાં મતપેટીઓને ગણતરી મથકોએ પહોંચતી કરાઇ છે. મતગણતરી ગુરૂવારે યોજાશે, જે પછી ગુરૂવારે સાંજ સુધીમાં પરિણામ મળી જશે. અગાઉ, મતદાનના દિવસે જ રાત્રે ૮ વાગ્યે મતગણતરી શરૂ કરી દેવાતી હતી.

દેશપ્રિયાએ કોરોનાના જોખમને અવગણીને ભારે મતદાન માટે બહાર નીકળેલા મતદારોનો આભાર માન્યો છે.

નોંધનીય છે કે શ્રીલંકામાં ચૂંટણી  ત્રણ માસથી વધુ સમય માટે પાછી ઠેલાઇ હતી, જે દરમિયાન વિવિધ રાજકીય જૂથો વચ્ચે સંઘર્ષ થયો હતો.  મતદાન દરમિયાન કેટલાક જૂથો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયા હોવાની કેટલીક ફરિયાદો ચૂંટણી નિરીક્ષણ જૂથોને મળી હતી.

દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપકસાએ એમના કોલંબોના પરામાં આવેલા મતદાન મથકે મત આપ્યો હતો,  જ્યારે એમના ભાઇ અને વડાપ્રધાનપદના સંભવિત ઉમેદવાર મહિન્દા રાજપકસા (૭૪) એ  દક્ષિણે આવેલા હમ્બાનટોટા જિલ્લામાં એમના વતનના મતવિસ્તારમાં મતદાન કર્યુ હતુ.

મહિન્દા રાજપકસાએ ૨૨૫ બેઠકોના ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી સાથે ચુંટણી જીતવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.