આગામી વર્ષે ભારતમાં કર્મચારીઓના વેતનમાં અશિયાનો સૌથી વધુ એમ 9.2 ટકા વધારો નોંધાઇ શકે છે. જોકે મોંઘવારીરૂપી ડાકણ તે ખુશીને ટકવા નહીં દે. મોંઘવારીને બાદ કરતાં વાસ્તવિક વેતન વૃદ્ધિ તો પાંચ ટકા જ રહેશે. કોર્ન ફૈરી ગ્લોબલ સેલરી ફોરકાસ્ટે આ સંકેત આપ્યા છે. એજન્સીના અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં કર્મચારીના વેતનમાં વર્ષ 2020માં 9.2 ટકા વધારો થઇ શકે છે. પરંતુ મોંઘવારી દરને બાદ કરતાં વાસ્તવિક વેતન વધારો અડધો જ રહેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એશિયામાં ભારત વેતનવૃદ્ધિને મોરચે સૌથી મોખરે રહેશે.
કોર્ન ફૈરી ઇન્ડિયાના ચેરમેન અને રિજિયોનલ મેનેજિંગ ડિરેક્ટર નવનીતસિંહે કહ્યું કે, ‘વિશ્વભરમાં વેતનમાં થઇ રહેલા ઘટાડા વચ્ચે ભારતમાં વેતનવધારો થવાના સંકેત મળી રહ્યા છે. વર્તમાન આર્થિક સ્થિતિ અને સરકારના રિફોર્મ્સને જોતાં વેતન વધારાની આશા સેવાઇ રહી છે.’ આ અહેવાલે વર્ષ 2019 માટે ભારતમાં 10 ટકા વેતનવૃદ્ધિની આગાહી કરી હતી. એજન્સીએ વર્ષ 2019 અને 2020 એમ બંને માટે મોંઘવારીના એકસમાન પાંચ ટકાના અંદાજો જ માંડયા છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બિઝનેસ પર રહેલા કોસ્ટના દબાણને કારણે બાંધ્યા વેતનમાં વૃદ્ધિદર ધીમો રહેશે પરંતુ ઊંચી કાર્યદક્ષતા અને કૌશલ્ય ધરાવનારાઓના વેતનમાં પ્રોત્સહક વેતનના રૂપમાં વધારો મળતો રહેશે.
130 જેટલા દેશોના 25,000 જેટલા એકમોમાં કામ કરતા બે કરોડ જેટલા કામદારોના વેતન સંબંધી ડેટા આધારે કોર્ન ફૈરીએ ઉપરોક્ત તારણો જાહેર કરેલાં છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે આગામી વર્ષના ફુગાવા કે મોંઘવારી દર અંગે કરેલી ધારણાને અહેવાલમાં ધ્યાને લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.