સરકારને મંદી નડી: પેટાચુંટણીમાં મોદીનો જાદુ ન ચાલ્યો..

18 રાજયોમાં કુલ 51 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો 26 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 12 બેઠકો પર વિજય થયો છે. જ્યારે બિહારમાં અસદુદ્દીન ઔવેસીની એઆઇએમઆઇએમનો એક બેઠક પર વિજય થયો છે. સોમવારે લોકસભાની બે બેઠકો ઉપર પણ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. બિહારમાં સમસ્તિપુર લોકસભા બેઠક પર લોક જનશક્તિ પાર્ટીના પ્રિન્સ રાજનો વિજય થયો છે.  જ્યારે મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠક પર એનસીપીના શ્રીનિવાસન દાદાસાહેબ પાટીલનો વિજય થયો છે.

ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં  ભાજપને સાત, સપાને ત્રણ તથા ભાજપના સહયોગી અપના દળને એક બેઠક મળી છે. સપાએ ઝૈદપુર બેઠક ભાજપ અને જલાલપુર બેઠક બસપા પાસેથી આંચકી લીધી છે જ્યારે રામપુર બેઠક જાળવી રાખી છે.બિહારમાં પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાસક પક્ષ જદ(યુ)ને આંચકો લાગ્યો છે. જદ(યુ)નો ફક્ત એક જ બેઠક પર વિજય થયો છે. રાજદને બે, અપક્ષને એક અને એઆઇએમઆઇએમને એક બેઠક મળી છે.  તમિલનાડુમાં યોજાયેલી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં એઆઇડીએમકેનો વિજય થયો છે.

કેરળમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થઇ હતી.  જેમાં સીપીઆઇ(એમ)નો બે, કોંગ્રેસનો બે તથા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો એક બેઠક પર વિજય થયો છે. ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ત્રણ પર કોંગ્રેસ અને ત્રણ પર ભાજપનો વિજય થયો છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.