– વર્ગો બંધ કરવા પડે તેવી સ્થિતિમાં સ્કૂલોની રજૂઆત બાદ માત્ર ચાલુ વર્ષ માટે રાહત
– અનેક સ્કૂલો વર્ગ ઘટાડાથી હવે બચી જશે
કોરોનાને લીધે અનેક વાલીઓએ સ્થળાંતર કરતા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે અને જેથી સરકારના વર્ગદીઠ સરાસરી સંખ્યાના નિયમને પગલે વર્ગો બંધ કરવા પડે તેવી સ્થિતિ હતી.પરંતુ સ્કૂલોની રજૂઆત બાદ અંતે સરકારે ધો.૯થી૧૨માં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યાના ૨૦૧૧ના ઠરાવમાં છુટછાટ આપતા શહેરી વિસ્તારની સ્કૂલ માટે એક જ વર્ગ હોય તો વર્ગદીઠ ૨૫ અને ગ્રામ્યની સ્કૂલ માટે ૧૮ સંખ્યા નિયત કરી છે.જો કે આ છુટ ચાલુ વર્ષ પુરતી જ રહેશે.
ધો.૧૦નું પરિણામ ગત વર્ષે ઓછુ આવતા ધો.૧૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ખૂબ જ ઘટયા છે આ ઉપરાંત કોરોનાને પગલે અનેક વિદ્યાર્થીઓએ ધો.૧૧મા પ્રવેશ લીધો નથી તેમજ ભણવાનું છોડી દીધુ હોવા સાથે અનેક વાલીઓએ સ્થળાંત કરી લીધુ છે.જેને પગલે ધો.૯થી૧૨માં વિદ્યાર્થી સંખ્યા ઘટી છે.આ સ્થિતિને પગલે અનેક ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગો બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જ્યારે એક વર્ગ ધરાવતી સ્કૂલો તો સાવ બંધ થાય તેવી સ્થિતિ છે.જેને પગલે સ્કૂલોએ સરકારને વર્ગદીઠ નિયત વિદ્યાર્થી સંખ્યાના નિયમમાં છુટછાટ આપવા અને વર્ગ ઘટાડો ન કરવા અનેક રજૂઆતો કરી હતી.આ વર્ષ માટે વર્ગ ઘટાડાની પ્રક્રિયા તો દરેક જિલ્લામાં સ્થગિત કરી દેવાઈ હતી પરંતુ નિયમમાં છુટછાટ માટે સરકાર સ્તરે વિચારણા ચાલતી હતી.અંતે શિક્ષણ વિભાગે આજે ઠરાવ કરી છુટછાટ આપી છે અને ચાલુ વર્ષ પુરતી રાહત આપી છે. ૨૦૧૧ના વર્ગ ઘટાડા-વધારા અને સરાસરી હાજરીના ઠરાવ-જોગવાઈઓ મુજબ ધો.૯થી૧૨માં પ્રથમ વર્ગ માટે વર્ગદીઠ સંખ્યા શહેરી વિસ્તાર માટે ૩૬ નિયત કરાઈ હતી જે ઘટાડી ૨૫ કરવામા આવી છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે નિયત કરાયેલી વિદ્યાર્થી સંખ્યા ૨૪થી ઘટાડી ૧૮ કરવામા આવી છે. એક કરતા વધુ વર્ગો હોય તો શહેરી વિસ્તારમાં ૬૦ વત્તા ૩૬ના બદલે ૪૨ વત્તા ૨૫ અને ગ્રામ્ય વિસ્તાર માટે ૬૦ વત્તા ૨૪ને બદલે ૪૨ વત્તા ૧૮ની વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે. શહેરી વિસ્તાર માટે ૨૫ અને ગ્રામ્ય વિસ્તાર માટે ૧૮ વિદ્યાર્થી સંખ્યા ન જળવાતી હોય તેવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ ઘટાડાની કાર્યવાહી કરવામા આવશે.સરકારે રાહત તો આપી છે પરંતુ પ્રથમ સત્ર ક્યારનું પૂર્ણ થઈ ગયુ છે ત્યારે મોડે મોડે ઠરાવ કરવામા આવ્યો છે.જો કે ચાલુ વર્ષ માટે અનેક સ્કૂલો વર્ગઘટાડાથી બચી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.