ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે 13થી 15 જૂન દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વર્તમાનમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે. જોકે તેમ છતાં ગુજરાતમાં તેની અસર થઈ રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં ચીમની પડતા મહિલાનુ મોત થયું છે.
મોરબીના રંગપર બેલા રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં ચીમની માથા પર પડતા એક મહિલાનું મોત થયું હોવાની જાણકારી સામે આવી રહી છે. કોયો સીરામીકમાં કામ કરતી મૂળ મધ્ય પ્રદેશની મહિલા રામકન્યાના માથા પર સ્પ્રેડાયરની ચીમની પડી હતી. જેના કારણે માથામાં ગંભીર ચોટ પહોંચતા તેનું મોત થયું હતું. હાલમાં વધુ પડતા પવનના કારણે ચીમની પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ દ્વારકાથી 280 કિલોમીટર અને મોરબીથી અંદાજે 500થી વધુ કિલોમીટર દૂર છે. જોકે તેમ છતાં મોરબીમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને એવામાં મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વાવાઝોડાની અસરના કારણે આ બે દિવસમાં પાંચમું મોત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.