સુપ્રીમ કોર્ટે ‘રેપના આરોપી’ને મોટી રાહત આપી, મહિલાના નિવેદનમાં વિરોધાભાસ જણાવ્યો

કોઇ સ્ત્રી છરીની અણીએ બળાત્કારનો શિકાર બને ત્યારબાદ બળાત્કાર કરનારને ચાર ચાર વર્ષ સુધી પ્રેમ પત્ર ન લખે કે એની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહે નહીં એવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટે રેપના એક આરોપીને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો.

વીસ વર્ષ પહેલાં ઝારખંડ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે આ કેસમાં સંબંધિત પુરુષને આરોપી ઠરાવ્યો હતો અને એને સજા જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આરએફ નરીમાન, જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ ઇંદિરા બેનરજીની બનેલી બેન્ચે સૌથી પહેલાં મહિલાએ પોતાની જણાવેલી ઉમરનો મુદ્દો લીધો હતો. મહિલાએ 1995માં પોતાને તેર વર્ષની કિશોરી ગણાવી હતી જ્યારે 1999માં  પોલીસમાં નોંધાવેલી એફઆઇઆરમાં એ 25 વર્ષની જણાઇ હતી. એટલે કે મહિલાએ પોલીસ ફરિયાદમાં પોતાની ઉંમર ખોટી લખઆવી હતી. એટલે કે કહેવાતો રેપ થયો ત્યારે એ 21 વર્ષની હતી.

એ જ રીતે સુપ્રીમ કોર્ટે એ વાતની નોંધ પણ લીધી હતી કે આ મહિલાએ કહ્યુ હતું કે આરોપીએ મારી સાથે લગ્નનો વાયદો કર્યો હતો એટલે અમે પતિપત્નીની જેમ એકમેકની સાથે રહેતાં હતાં. લગ્ન કરવાના માત્ર સાત દિવસ પહેલાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી એ હકીકત પણ ગંભીર શંકા પેદા કરે છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે સ્ત્રી અને પુરુષ બંને જુદા જુદા ધર્મના હતા એટલે બંનેનાં લગ્નમાં વિઘ્ન આવ્યું હતું. બંને એક ગામના રહેવાસી હતાં અને બંને વચ્ચે પ્રેમ હતો એ પ્રેમપત્રો દ્વારા સમજાઇ જાય છે એટલે આ કિસ્સો છરીની અણીએ રેપનો રહેતો નથી એમ જણાવીને સુપ્રીમ કોર્ટે કહેવાતા આરોપીને મુક્ત કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.