સુપ્રીમનો પ્રવાસીઓને રાહતરૂપ આદેશ, લોકડાઉનમાં રદ થયેલી ટિકિટોનું એરલાઈન્સ સંપૂર્ણ રીફંડ આપે

સુપ્રીમ કોર્ટે 25 માર્ચથી 24 મે દરમિયાન મુસાફરી કરવા માટે અગાઉથી બુક કરવામાં આવેલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટોની ટિકિટના નાણાં પરત કરવા એરલાઇન્સને આદેશ આપ્યો છે.

કેન્દ્રના પ્રસ્તાવનો સ્વીકાર કરતા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે જો લોકડાઉનના સમયગાળામાં મુસાફરી કરવા માટે એજન્ટ દ્વારા ટિકિટ બુક કરવામાં આવી હોય તો તેવા કિસ્સામાં એરલાઇન્સે તાત્કાલિક સંપૂર્ણ રિફંડ ચૂકવવુ પડશે અને એજન્ટ દ્વારા આ રકમ મુસાફરોને પરત કરવાની રહેશે.

ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે જો નાણાકીય કટોકટીને કારણે જો કોઇ એરલાઇન્સ ટિકિટના નાણા ચૂકવી શકે તેમ ન હોય તો ટિકિટના નાણા જેટલી જ રકમનું ક્રેડિટ શેલ યાત્રીને આપશે. આ ક્રેડિટ શેલની મુદ્દત 31 માર્ચ, 2021 સુધીની હોવી જોઇએ.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે યાત્રી ઇચ્છે તો આ ક્રેડિટ શેલનો ઉપયોગ કોઇ પણ  રૂટ પર જાતે કરી શકે છે આૃથવા ટ્રાવેલ એજન્ટ સહિત કોઇ પણ વ્યકિતને ટ્રાન્સફર કરી શકે છે અને એરલાઇન્સને આવા ટ્રાન્સફરનો સ્વીકાર કરવો પડશે.

ખંડપીઠે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયની બેઠકમાં સૂચવવામાં આવેલા સૂચનો કે જે મોટાભાગના પક્ષકારોના હિતમાં છે તેનો સ્વીકાર કરવો પડશે.

કોરોના મહામારીને કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને કારણે રદ કરવામાં આવેલી ફલાઇટના યાત્રીઓને ટિકિટના નાણા પરત આપવા માટે અનેક સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં કોર્ટે પોતાના ચુકાદામાં અનેક નિર્દેશો આપ્યા છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આ ઉકેલ વર્તમાન પરિસિૃથતિને ધ્યાનમાં રાખતા યોગ્ય છે. કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીને કારણે દેશ અને વિશ્વની વર્તમાન પરિસિૃથતિને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે એમા કોઇ કોઇ શંકા નથી કે કોરોનાને કારણે ઉડ્ડયન સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે. વિમાન યાત્રીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.