સુપ્રીમે 31 ઓગસ્ટ સુધી એનપીએ જાહેર ન થયેલા લોન ખાતાઓને આપી રાહત

આગામી આદેશ સુધી આવા લોન ખાતાઓને એનપીએ જાહેર ન કરવા સુપ્રીમનો આદેશ

લોન મોરેટોરિયમ (લોનનો હપ્તો ચુકવવામાં વધુ સમય આપવા)ના કેસમાં સુપ્રીમ કોર્ટે લોકોને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો ઓગસ્ટ સુધી કોઇ બેંક લોન એકાઉન્ટ એનપીએ જાહેર નથી તો તેને આગામી આદેશ  સુધી પણ એનપીએ જાહેર કરવામાં ન આવે.

ઉલ્લેખનીય છે કે જો કોઇ લોનનો ઇએમઆઇ સતત ત્રણ મહિના સુધી જમા કરવામાં ન આવે તો બેંક તેને એનપીએ જાહેર કરે છે. એનપીએનો આૃર્થ થાય છે કે બેંક તેને ફસાયેલું ઋણ માની લે છે. આવા લોનધારકોનું રેટિંગ ખરાબ થઇ જાય છે  અને ભવિષ્યમાં તેમને લોન મળવામાં મુશ્કેલી થાય છે.

લોન મોરેટોરિયમ કેસમાં હવે સુનાવણી આગામી સપ્તાહમાં 10 સપ્ટેમ્બરે થશે. આજે સુનાવણી દરમિયાન કોર્ટની ટિપ્પણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકાર લોન ન ચૂકવી શકનારાઓ સામે બળજબરીપૂર્વક કોઇ કાર્યવાહી ન કરે.

લોન મોરેટોરિયમ પર સરકારે સોમવારે પોતાનું સોગંદનામું રજૂ કર્યુ છે. સરકારે સંકેત આપ્યા છે કે મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય તેમ છે. જો કે આ સુવિધા અમુક જ સેક્ટરને આપી શકાય તેમ છે. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે વ્યાજ પર વ્યાજના કેસમાં આરબીઆઇ નિર્ણય લશે.

સરકારે યાદી સુપ્રત કરી છે ક્યાં સેક્ટરને રાહત આપી શકાય તેમ છે. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે જણાવ્યું છે કે અમે એવા સેક્ટરની ઓળખ કરી રહ્યાં છે જેમને રાહત આપી શકાય તેમ છે. આ માટે તેમને કેટલુ નુકસાન થયું તે વાત ધ્યાનમાં રાખવામાં આવશે. જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં હવે વધારે મોડુ કરી શકાય તેમ નથી.

કોરોના મહામારીના સંદર્ભમાં આરબીઆઇએ 27 માર્ચે એક સર્કુલર જારી કર્યો હતો. જેમાં લોનધારકોને ત્રણ મહિનાના સમયગાળા માટે હપ્તાની ચુકવણી માટે વધુ સમય આપવામાં આવ્યો હતો. 22 મેના રોજ આરબીઆઇએ હપ્તાની ચુકવણી માટે 31 ઓગસ્ટ સુધી વધુ ત્રણ મહિનાનો સમય આપવાની જાહેરાત કરી હતી. એટલે કે લોન મોરેટોેરિયમ પર કુલ 6 મહિનાની રાહત આપવામાં આવી.

જો કે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જણાવવામાં આવ્યું કે બેંક ઇએમઆઇ ભરવામાં વધુ સમય તો આપી રહી છે પણ તેની સાથે સાથે વ્યાજ થોપી રહી છે તે ગેરકાયદેસર છે. ઇએમઆઇની રકમમાં મોટા ભાગનો હિસ્સો વ્યાજનો જ હોય છે અને બેંક તેના ઉપર પણ વ્યાજ લગાવી રહી છે. આ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આરબીઆઇ અને કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.