સુરતમાં આજથી શરૂ થતાં ડાયમંડ યુનિટ કોરોના સંક્રમણ માટે ચિંતાનો વિષય

– સંક્રમણના કારણે હીરા બજાર તો હાલ બંધ છે પણ

ડાયમંડ યુનિટમાં મ્યુનિ.એ જાહેર કરેલી ગાઈડ લાઈનનો અમલ ન થાય તો તાત્કાલિક માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરી પગલાં ભરાશે 

સુરતમાં કોરોનાનું સંક્રમણ ગંભીર રીતે વધતાં હીરા બજાર અને ટેક્ષટાઈલ માર્કેટ હાલ પુરતા બંધ કરી દેવાયા છે. પરંતુ આજથી શરૂ થતાં હીરાના કારખાના કોરોના સંક્રમણ વધારી શકે તે વિષય મ્યુનિ. તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.

આજથી શરૂ થતાં હીરાના યુનિટમાં મ્યુનિ.ની ગાઈડ લાઈનનો અમલ ન કરવામાં આવે તો તાત્કાલિક માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને પગલાં ભરાશે તેવી ચીમકી મ્યુનિ. કમિશ્નરે ઉચ્ચારી છે.

સુરતમાં ગઈકાલે સુધી હીરાના યુનિટ બંધ હતા પરંતુ આજથી હીરાના યુનિટ શરૃ થઈ ગયાં છે તે હવે મ્યુનિ. માટે  ચિંતાનો વિષય બની ગયો છે. સુરતમાં અન લોક બાદ ડાયમંડ અને ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા લોકો સુપર સ્પ્રેડર્સ બનીને બહાર આવ્યા છે. આ બન્ને જગ્યાએ કોવિડની ગાઈડ લાઈનનો ભંગ થતો હોવાથી સંક્રમણ વધ્યું છે તે પણ એક હકીકત છે.

મ્યુનિ.ની ગાઈડ લાઈન અને સંક્રમણને ધ્યાને રાખીને હીરા બજાર અને ટેક્ષટાઈલ માર્કેટ હાલ પુરતી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે મ્યુનિ. તંત્રને રાહત થઈ છે. પરંતુ આજથી શરૂ થયેલા હીરાના યુનિટે મ્યુનિ.ની ચિતામાં વધારો કર્યો છે.

સુરત મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ આ અંગે જણાવ્યું હતુ કે, આજે 14 જુલાઈથી ડાયમંડના યુનિટ ખોલવાની જાહેરાત કરવામા આવી હતી. તે મુજબ ડાયમંડના કેટલાક યુનિટ ખુલી ગયાં છે.

સુરતમાં હાલ ડાયમંડ અને ટેક્ષટાઈલ યુનિટમા કોવિડનું સૌથી વધુ સંક્રમણ છે તેથી હાલ યુનિટ શરૂ થયાં છે તેમાં કોઈ પણ રીતે સંક્રમણમાં વધારો ન થાય તે માટેની ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ કરવા માટેની તાકીદ કરવામાં આવે છે.

મ્યુનિ. તંત્રએ જાહેર કરેલી ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવે તો તાત્કાલિક તે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામા આવશે અને ત્યાર બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉદ્યોગપતિ- રાજકારણીઓના કારણે પગલાં નથી ભરી શકાતા

સુરત મહાનગરપાલિકાએ હીરાના યુનિટમાં ગાઈડ લાઈનનું પાલન ન થાય તો કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને પગલાં ભરવાની ચીમકી આપી છે પંરતુ મ્યુનિ. તંત્ર રાજકીય અને ઉદ્યોગપતિના દબાણ સામે ડાયમંડ યુનિટ સામે પગલાં ભરવામાં પાછી પડી રહી છે.

આ પહેલાં પણ મ્યુનિ. કમિશ્નરે ડાયમંડ યુનિટમાં નિયમનો ભંગ થાય તો પગલાં ભરવા માટેની ચીમકી આપી હતી. કેટલાક કિસ્સામાં મ્યનિ.ના કર્મચારીઓએ નિયમનો ભંગ કરતાં હીરાના યુનિટ સામે પગલાં ભરવાની કાર્યવાહી પણ કરી હતી.

જોકે, હીરાના ઉદ્યોગપતિ અને  રાજકારણીઓના દબાણ આવતાં આ કામગીરી ઢીલી થઈ ગઈ હતી. નિયમનો ભંગ કરતાં હીરાના યુનિટ સામે આકરાં પગલાં ભરવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ ગયું હોવાથી હીરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે પણ એક હકીકત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.