– અલગ ગાઈડ લાઈન બનાવી દેખરેખ માટે ઉચ્ચ કક્ષાની ટીમ બનાવી
એકવાર ફરી રત્નકલાકારોની વતન વાપસી થઈ રહી છે. ત્યારે તેમને રોકવા અને હીરા ઉદ્યોગને ફરી શરૂ કરવા માટે અલગ અલગ ગાઈડ લાઈન જાહેર કરી તેનું ચુસ્તપણે પાલન કરવા માટે ઉચ્ચ કક્ષાની ટીમ બનાવવાની અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માગ રત્ન કલાકાર સંઘ દ્વારા કરાઈ છે.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે લોકડાઉન જાહેર કરવામાં આવ્યો ત્યારે પરિપત્ર જાહેર કરી જણાવાયું હતું કે લોક ડાઉન દરમિયાન કામદારોને પગાર ચૂકવવો પડશે અને લોકડાઉન દરમિયાન કોઈ કામદારને છૂટો કરી શકાશે નહીં પરંતુ હીરાઉદ્યોગમા કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવામા નથી આવ્યો અને એ બાબતેની 149 કંપનીઓ સામે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતએ સુરત જિલ્લા કલેકટરશ્રી અને સુરત ડેપ્યુટી લેબર કમિશનરશ્રીને ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ લોકડાઉનના પગાર બાબત નો સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમા પેન્ડિંગ છે. હીરાઉદ્યોગના રત્ન કલાકારોને સરકારશ્રી દ્વારા પણ કોઈ જ મદદ કરવામાં નથી આવી.
જેના કારણે રત્ન કલાકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કોરોના વાયરસના આગમન પહેલાથી જ હીરાઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો બેરોજગારી અને આર્થિક તંગીના કારણે પાયમાલ હતા જ ત્યા કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.
જેના કારણે રત્ન કલાકારો બે મહિના સુધી રોજગારીથી વંચિત રહ્યા જેના કારણે રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે અને પોતાનું તથા પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ છે માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા નમ્ર વિનંતી છે કે હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારોમા તાત્કાલિક ધોરણે આર્થિક પેકેજ જાહેર કરવામા આવે તે ખૂબ જરૂરી છે.
હીરાઉદ્યોગને બંધ રાખવાના નિર્ણયને કારણે રત્નકલાકારો ફરી વતન પરત ફરી રહ્યા છે. તેમને રોકવા અને હીરાઉદ્યોગને ફરી શરૂ કરવો ખૂબ જરૂરી છે. કામદારો એ કોરોનાની સાથે ભૂખથી પણ લડવું પડે છે. માટે ઉપરોક્ત રજુઆતને અનુસંધાને તાત્કાલિક નિર્ણય કરવા નમ્ર વિનતી છે.
સરકાર દ્વારા હીરાઉદ્યોગ માટે અલગ ગાઈડલાઈન જાહેર કરી અને તે ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન માટે ઉચ્ચકક્ષાની ટીમની રચના કરી કોઈની પણ રાજકીય શેહ શરમ રાખ્યા વગર કામ કરી શકે એવી ટીમની રચના કરી હીરાઉદ્યોગને શરૂ કરવામા આવે તેવી માગ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.