સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટિના અધ્યક્ષ કોરોના મુક્ત થયાં બાદ ઘરે પરત ફર્યા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના રેલી કાઢીને સંક્રમણ ફેલાવવાનું કામ કરતાં વિવાદ ઉભો થયો છે.
એક તરફ મહાનગરપાલિકા સુપર સ્પ્રેડર્સને શોધી રહ્યાં છે ત્યારે બીજી તરફ ડ્રેનેજ કમિટિ જેવા રાજકારણીઓ જ કોવિડના તમામ નિયમોનો ભંગ કરીને કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. ભાજપના જ નેતાઓ કોરોના સંક્રમણ ફેલાવવાનું કામ કરી રહ્યાં હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે ભારતવાસીઓને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે વારંવાર અપીલ કરી રહ્યાં છે. પરંતુ નરેન્દ્ર મોદીની સલાહને સુરત ભાજપના નેતાઓ ધરાર અવગણી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ કમિટિના અધ્યક્ષ અમિત રાજપુત કોરોના પોઝીટીવ થયાં બાદ ખાનગી હોસ્પીટલમા સારવાર માટે દાખલ થયાં હતા. કોરોનાની સારવાર પુરી કરીને તેઓને રજા આપવામાં આવી ત્યારે તેઓએ કેન્દ્ર સરકાર અને સુરત મહાનગરપાલિકાની ગાઈડ લાઈનનો છડેચોક ભંગ કર્યો હતો.
ભાજપના કોર્પોરેટર અમિતસિંઘ રાજપુત ઘરે પહોંચ્યા ત્યારે ઢોલ નગારા વગાડવા સાથે ચુંટણી જીતી આવ્યા તેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સોશ્યલ ડિસ્ટનસનો ભંગ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં પરંતુ અનેક લોકો માસ્ક વિનાના કે મોઢા પર માસક ન હોય તેવા લોકો જોવા મળ્યા હતા. રાજપુત સાથે અનેક લોકોએ સેલ્ફી ખેંચાવી સોશ્યલ ડિસ્ટન્સના કાયદાનો ભંગ કર્યો હતો.
ભાજપના કોર્પોરેટરે વડા પ્રધાનની સલાહનો ભંગ કર્યો હોવાની વાત ખુદ ભાજપના કોર્પોરેટરે જ સોશ્યલ મિડિયામાં ફોટો અને વિડિયો વાઈરલ કરીને લોકોનેજણાવી હતી. અમિત રાજપુતે પોતે જ સોશ્યલ મિડિયામાં પોતાનું સ્વાગત થયું હતું તેના વિડિયો અને ફોટો વાઈરલ કરતા કોર્પોરેટરની કરતુત બહાર આવી હતી.
સુરતમાં આ પહેલાં પણ ભાજપના નેતાઓ સોશ્યલ ડિસ્ટનસનો અનેક વાર ભંગ કરી ચુક્યા છે. ભાજપના નેતાઓ જ સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન કરતાં હોવાથી સંક્રમણ વધી રહ્યું હોવાથી સુરતીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હાલ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનુ ંપાલન કરવું તમામ લોકોની ફરજ છે. અમિત રાજપુતે સોશ્યલ ડિસ્ટન્સ વિના રેલી કાઢી છે તેમની પાસે જવાબ મંગાશે અને આવા પ્રકારની પ્રવૃત્તિ બીજી વાર ન થાયતે માટે સુચના આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.